National

ભૂકંપથી અફઘાનિસ્તાનમાં હાહાકાર, 600થી વધુના મોતની આશંકા

અફઘાનિસ્તાનમાં રવિવાર-સોમવારની મોડી રાત્રે આવેલા જોરદાર ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા આ ભૂકંપથી ઘણા ઘરો ધરાશાયી થઈ ગયા હતા. સત્તાવાર આંકડા મુજબ 9 લોકોનાં મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, બિનસત્તાવાર સૂત્રો અનુસાર 600થી વધુ લોકોના મોતની આશંકા છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. તેનો કેન્દ્રબિંદુ જલાલાબાદ શહેરથી લગભગ 27 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું. જ્યારે ભૂકંપ જમીનથી 8 કિલોમીટર નીચે નોંધાયો હતો. આ આંચકો રાત્રે લગભગ 12:47 વાગ્યે આવ્યો હતો.

અફઘાનિસ્તાનના નાંગરહાર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું કે ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ દરમ્યાન 9 લોકોએ જીવ ગુમાવ્યો અને 15થી વધુ લોકો ઘાયલ થયા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ભૂકંપની અસર ફક્ત અફઘાનિસ્તાન સુધી સીમિત રહી નહીં પરંતુ તેની અસર પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. ખાસ કરીને દિલ્હી NCRમાં મધરાત્રી દરમિયાન આંચકાઓ અનુભવાતા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે દિલ્હી NCRમાં આવેલા આંચકા હળવા હોવાથી અહીં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.

વિશેષજ્ઞો જણાવે છે કે હિન્દુકુશ પર્વતીય પ્રદેશ વિશ્વના સૌથી સક્રિય ટેક્ટોનિક ઝોનમાંનું એક છે. અહીં ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે સતત ઘર્ષણ થતા રહે છે. જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવે છે.

તાજેતરમાં જ તા.2 ઓગસ્ટના રોજ આ વિસ્તારમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્ર જમીનથી 87 કિલોમીટર નીચે હતું. એ પછી તા.6 ઓગસ્ટે 4.2 તીવ્રતાનો એક બીજો ભૂકંપ પણ આવ્યો હતો.

આ તાજા ભૂકંપે ફરી એકવાર સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાન અને આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં પણ આ વિસ્તારમાં આવા જ આંચકા આવતા રહી શકે છે.

600થી વધુ જેટલા લોકો મૃત્યુ પામ્યા
અફઘાન નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ પણ ભૂકંપની પુષ્ટિ કરી છે. રહીમી કહે છે કે ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા ઘરો ધરાશાયી થયા હતા.

શરૂઆતમાં 9 લોકોના મોત અને 15 લોકોના ઘાયલ થવાના અહેવાલો હતા. પરંતુ હવે મૃત્યુઆંક 622 થવાની આશંકા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top