Vadodara

બાજવા જળબંબાકાર : ઘરોમાં પાણી પ્રવેશતા ભયના ઓથાર હેઠળ લોકો રાત્રી ઉજાગરા કરવા મજબૂર

GSFC દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપ

ઘાસચારો સહિતની ઘરવખરી પલળી જતા લોકોને વ્યાપક નુકસાન

( પ્રતિનિધી )વડોદરા,તા.31

વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારે શહેરના બાજવા ગામ ખાતે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદ બંધ થયા બાદ સતત બીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે. જેના કારણે લોકોને નુકસાની થવા પામી છે. આખી રાત શંકર સોસાયટી,આંબેડકર નગર સહિતના આસપાસના વિસ્તારમાં લોકો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા હતા.

વરસાદ બંધ થયા બાદ પણ બાજવા ગામમાં પાણી ઓસર્યા નથી. લોકોના ઘરોમાં, મંદિરોમાં તેમજ પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે, વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યા હતા કે વરસાદ બંધ થયો છતાં પાણી આવી રહ્યું છે. GSFC સહિતની આસપાસની કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવતા આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે. દરવર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે. પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આખી રાત લોકોએ પાણીનું લેવલ વધી જવાના ભય હેઠળ રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા હતા. જ્યારે નોકરી પર જતાં લોકોને પણ ઘણી મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોના વાહનો પણ ખોટકાયા હતા. જેથી તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.

શંકર સોસાયટી ખાતે રહેતા સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, વરસાદ બંધ થયા બાદ પાણી ઓસરી ગયું, પણ એના થોડા સમય બાદ ફરી પાણી ચડવા માંડ્યું હતું. તો આ પાણી આવ્યું ક્યાંથી ? એનો મતલબ કે આ પાણી જીએસએફસી કંપની દ્વારા છોડ્યું હોય તો જ પાણી આવે. એના સિવાય બીજું ક્યાંથી પાણી આવવાનું. આ તો દર વર્ષની સમસ્યા છે. મને 50 વર્ષ થયા અહીંયા ઘૂંટણ સુધી કમર સુધી પાણી આવી જાય છે. એટલે આનો કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. બીજા એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, અમારે દર વખતે આવી સમસ્યા રહે છે. ફર્ટિલાઇઝર સહિત આસપાસની કંપનીઓ આવેલી છે. એના લીધે પાણીનો નિકાલ થતો નથી. ઘણીવાર રજૂઆત કરી છે, પણ કોઈ જાગતું નથી. બધા બેદરકાર છે, કોઈને કંઈ પડી નથી. ચારે બાજુ બસ પાણી પાણી જ દેખાઈ રહ્યું છે. એટલો બધો વરસાદ નથી છતાં પણ આટલું બધું પાણી આવે છે. અત્યારે ઘરમાં એટલી મુશ્કેલી પડી રહી છે. ઘરનો સામાન બધો ખરાબ થઈ ગયો છે. કોઈ જોવા પણ નથી આવતું. આ પાણી કંપનીઓ દ્વારા જ આવે છે અને તેના દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી. બીજા એક સ્થાનિલ મહિલાએ જણાવ્યું હતું કે કોઈ જોવા નથી આવતું, ધ્યાન રાખતું નથી. કોઈ પૂછતું પણ નથી. અમારા ઢોરોને પણ શું ખવડાવીએ, ઘાસના પુડા પણ પલડી ગયા છે કંપની પણ અમારી સામે કાંઈ જોતી નથી. દર વર્ષે આની આજ સમસ્યા રહે છે. નોંધનીય છે કે, ગતરોજ વરસાદ ખાબક્યો હતો. જેના કલાકો બાદ પણ બાજવા ગામમાં શંકર સોસાયટી,આંબેડકર નગર,ન્યુ આંબેડકર નગર સહિતની વસાહતોમાં આજે પણ વરસાદી પાણી ભરાય રહ્યા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને તંત્ર પાસે યોગ્ય નિરાકરણ કરવાની માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top