Entertainment

પ્રિયા મરાઠેનું નિધન, ‘પવિત્ર રિશ્તા’ની અભિનેત્રી 38 વર્ષની ઉંમરે કેન્સર સામેની લડાઈ હારી

ટીવી જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેત્રી પ્રિયા મરાઠેનું તા.31 ઓગસ્ટ 2025ના રોજ અવસાન થયું છે. માત્ર 38 વર્ષની ઉંમરે તેમણે કેન્સર સામેની લડાઈ હારી અને અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લાગણી છવાઈ છે.

પ્રિયા મરાઠેનું નામ ટેલિવિઝન જગતમાં ખાસ કરીને સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ સાથે જોડાયલું છે. જેમાં તેમણે વર્ષા સતીશનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. તેમની અભિનય કળા અને નિષ્ઠાને કારણે પ્રિયા ઝડપથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી શકી હતી.

માહિતી મુજબ પ્રિયા છેલ્લા લાંબા સમયથી કેન્સર સામે લડી રહી હતી. સારવાર ચાલુ હોવા છતાં રવિવારે સવારે તેમની તબિયત બગડી ગઈ અને તેઓ આ દુનિયા છોડી ગયા. અહેવાલ પ્રમાણે તેઓ એક વર્ષથી સોશિયલ મીડિયા પર પણ સક્રિય નહોતા કારણ કે આખો સમય તેઓ સારવાર અને આરામમાં પસાર કરી રહ્યા હતા.

પ્રિયા મરાઠેની કારકિર્દી
પ્રિયાનો જન્મ તા.23 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ પણ મુંબઈમાંથી જ પૂર્ણ કર્યું. અભિનય ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે તેમણે શરૂઆતમાં જ અનેક સિરિયલોમાં કામ કર્યું અને પોતાના સપના સાકાર કર્યા.

બાલાજી ટેલિફિલ્મ્સની લોકપ્રિય સીરિયલ ‘કસમ સે’ માં તેમણે વિદ્યા બાલીની ભૂમિકા ભજવી હતી. આ પછી તેઓ ‘કોમેડી સર્કસ’ ના પ્રથમ સીઝનમાં પણ જોવા મળ્યા હતા. પ્રિયા માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પણ જાણીતા હતા.

‘પવિત્ર રિશ્તા’ સિવાય તેમણે ‘બડે અચ્છે લગતે હૈ’ (2012) માં જ્યોતિ મલ્હોત્રાનું પાત્ર ભજવીને પણ ચાહકોનું દિલ જીત્યું. આ ઉપરાંત તેઓ અનેક લોકપ્રિય શોમાં અભિનય કરતા રહ્યા.

અભિનેત્રીના અચાનક નિધનથી ચાહકો અને સાથી કલાકારો આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ થવા લાગી છે. 38 વર્ષની નાની ઉંમરે તેમનું આ દુનિયા છોડવું ઇન્ડસ્ટ્રી માટે મોટી ખોટ ગણાઈ રહી છે.

Most Popular

To Top