Vadodara

વડોદરા : શ્રીજીની આગમન યાત્રા પર ઈંડા ફેકનાર માફિયાગેંગ ગ્રુપના એડમીન સહિતની ત્રિપુટી અજમેરથી ઝડપાઈ

વડોદરા તારીખ 31
વડોદરા શહેરના સીટી પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા મદાર માર્કેટ ઉપરથી શ્રીજીની આગમન યાત્રા પર ઈંડા ફેંકીને શહેરમાં સ્થપાયેલી શાંતિ ડહોળવાનું કૃત્ય આચરનાર માફિયા ગેંગના 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. દરમિયાન આ માફિયા ગેંગ એડમીન જુનેદ સિંધી સહિત ત્રિપુટીની પણ સંડોવણી બહાર આવી હોય તેમનું લોકેશન મેળવતા રાજસ્થાનના અજમેરનું જાણવા મળ્યું હતું. જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરીને આરોપીઓની વિગત આપતા અજમેર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી આ ત્રિપુટીને ઝડપી પાડી છે. વડોદરા પોલીસ ત્રણ આરોપીઓને લેવા માટે અજમેર ખાતે રવાના થઈ ગઈ છે. વડોદરા લાવ્યા બાદ ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમા આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થી પૂર્વે કિશનવાડીમાંથી શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા સોમવારે મોડી રાતે લઈ જવામાં આવતી હતી. જુનુ પાણીગેટ પોલીસ સ્ટેશન પસાર કર્યા બાદ સિટી પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા મદાર માર્કેટની છત પરથી આ શ્રીજી ની આગમન યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને શહેરનું વાતાવરણ ના ડહોળાય તેના માટે તાત્કાલિક કોમ્બિંગ શરૂ કરી સૂફીયાન અને શાહનવાઝની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ કરતા જુનેદ અને જાવેદ મલેક ના નામ ખુલ્યા હતા જેથી પોલીસે તે બંને ભાઈની પણ ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન માફિયા ગેંગનું ગ્રુપ બનાવનાર એડમીન જુનેદ સિંધી સહિત ચાર લોકોની સંડોવણી હોવાનુ બહાર આવ્યુ હતુ. દરમિયાન ગઈકાલે પોલીસે સલમાન મન્સૂરીને દબોચી લીધો હતો. જ્યારે જુનેદ સિંધી, સમીર અને અનસની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આ ત્રિપુટીનું લોકેશન રાજસ્થાનના અજમેર ખાતેનું મળ્યુ હતું. જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી ત્રણેયની વિગતો આપતા અજમેર પોલીસ એક્શનમાં આવી હતી અને આ ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન જુનેદ સિંધી, સમીર અને અનસ સહિતની ત્રિપુટીને પોલીસે અજમેર રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધી હતી. જેથી માફિયા ગેંગ ગ્રુપના એડમીન સહિતના ત્રણ આરોપીઓને લેવા માટે વડોદરા પોલીસ અજમેર ખાતે જવા રવાના થઈ ગઈ છે. ત્રિપુટીને વડોદરા લાવ્યા બાદ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Most Popular

To Top