National

દિલ્લીથી ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફલાઇટના એન્જિનમાં આગ લાગવાનો મેસેજ મળતા, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

દિલ્હીથી ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2913ને ટેકઓફ બાદ જમણી બાજુના એન્જિનમાં આગ લાગવાના સંકેત મળતા જ તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. કોકપીટ ક્રૂએ સુરક્ષા ધોરણોને અનુસરતાં એન્જિન બંધ કર્યો અને વિમાનને સલામત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતારી દીધું હતું.

આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો પરંતુ સૌ મુસાફરો સુરક્ષિત છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફરોને હવે વૈકલ્પિક વિમાન દ્વારા ઈન્દોર મોકલવામાં આવશે.

કેવી રીતે બન્યું બનાવ?
રવિવારે દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઇટ AI2913એ ઈન્દોર માટે ઉડાન ભરી હતી. ટેકઓફ બાદ થોડા જ મિનિટોમાં કોકપીટ ક્રૂને પ્લેનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા હતા. જેથી તરત જ પાઇલટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી અને વિમાનને દિલ્હી એરપોર્ટ તરફ પરત ફેરવી દીધું હતું.

ઈમરજન્સી પ્રોટોકોલ મુજબ ATS સહિતના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જરૂરી પરવાનગી મળ્યા બાદ વિમાન સલામત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. ત્યારબાદ હાલ વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.

મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા
એર ઈન્ડિયાએ જણાવ્યું કે મુસાફરોને અસુવિધા ન થાય તે માટે તેમને બીજા વિમાન દ્વારા ઈન્દોર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હજી સુધી કોઈ જાનહાની કે ઇજા થયાની માહિતી મળી નથી.

એર ઈન્ડિયાની સલામતી પર ફરી સવાલ
આ ઘટના બાદ ફરી એકવાર એર ઈન્ડિયાની સલામતી પર પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં અમદાવાદ ફ્લાઇટ અકસ્માત પછી એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ રદ અને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે હવે બીજી એક ફ્લાઇટમાં એન્જિનમાં આગના સંકેતો મળ્યા હોવાની ઘટના ચિંતાજનક છે.

એરલાઇન અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે અને ખામી શોધી કાઢીને જ આગળની ફ્લાઇટ માટે મંજૂરી આપવામાં આવશે.

Most Popular

To Top