(પ્રતિનિધિ) વડોદરા તા.30
શહેરમાં લૂંટફાટ કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં પોતાની પુત્રીને ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને મોપેડ પર જતી મહિલાની એક મોટરસાયકલ સવાર અજાણ્યા શખ્સે સોનાની બુટ્ટી આંચકી ફરાર થઈ જતાં સમગ્ર મામલે
માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ફરી એકવાર લૂંટ ચલાવતી ગેંગ સક્રિય બની હોય તેમ જણાય છે. શહેરના મકરપુરા વિસ્તારમાં મોપેડ પર જતી મહિલાની અજાણ્યા મોટરસાયકલ સવાર ઇસમ દ્વારા સોનાની બુટ્ટી આંચકી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે.
ફરિયાદી મોનીકાબેનના પતિ વીરપ્રતાપસિંગ વીરેન્દ્રપાલ ભરૂચના આમોદ ખાતે ઓરિયન્ટ બેલ ટાઇલ્સ કંપનીમાં નોકરી કરે છે. ઘટના ગત રોજ બપોરે આશરે 4:15 વાગ્યાની આસપાસ બની, જ્યારે મોનીકાબેન તેમની 14 વર્ષની પુત્રીને લાલબાગ બ્રિજ નીચે ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે કટારીયા શોરૂમની સામેના રોડ પર, એક અજાણ્યો શખ્સ મોટરસાઇકલ પર હતો અને તેઓની તેમની ગાડીની બાજુમાં આવ્યો અને તેમના કાનમાં પહેરેલી આશરે અઢી ગ્રામની સોનાની રીંગવાળી બુટ્ટી (અંદાજિત કિંમત 20,000 રૂપિયા) ખેંચી લઈને માણેજા તરફ ભાગી ગયો હતો. મોનીકાબેનએ આ ઘટના અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસની માગણી કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, અને આરોપીને ઝડપી પાડવા માટે સાક્ષીઓ અને અન્ય પુરાવાઓની શોધખોળ કરવામાં આવી રહી છે.