35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કરાયું
શિક્ષણ સમિતિના અધ્યક્ષ,શાસનાધિકારી સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા


( પ્રતિનિધી )વડોદરા,તા.30
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓમાં વડોદરા શહેરમાં યુવા અને શિક્ષિત સાંસદની ગ્રાન્ટમાંથી 10 સ્માર્ટ બાલવાટિકા અને 35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત અંદાજિત 101 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડોદરાના સાંસદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને પ્રાથમિક શિક્ષણ પ્રત્યે વિશેષ ભાર આપી અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રયત્નો કર્યા હતા અને આજે પણ વડોદરાના સાંસદ બન્યા પછી તેમણે તેજ પથ પર આગળ વધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધારે નિર્માણ પામેલ સ્માર્ટ બાલવાટિકા માટે વિશેષ યોગદાન આપ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં અગાઉ પણ સાંસદની ગ્રાંટમાંથી માધ્યમિક શાળાઓ માટે સ્માર્ટ વર્ગખંડ ફાળવવામાં આવ્યા હતા. તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સ્માર્ટ બાલવાડીનું નિર્માણ પણ અગાઉ કરવામાં આવ્યું છે. ત્યારે, આગળ ચાલતા આજે કુલ 101 લાખના નવીન કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ શિક્ષણ સમિતિ સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે 35 શાળાઓમાં આચાર્ય અને એસએમસીના અધ્યક્ષ, શાળાના સ્ટાફ દ્વારા માઁ સરસ્વતી માતાની મૂર્તિનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય,સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષ નેતા, દંડક તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી ડો. વિપુલ ભરતીયા તેમજ સભ્યોની સાથે સાથે કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષકો અને કચેરીનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.