ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2026 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જાહેરાત કરી અને દ્રવિડનો આભાર માન્યો છે. પોસ્ટમાં લખ્યું કે “ગુલાબી રંગમાં તમારી હાજરીએ યુવાનો અને અનુભવી બંનેને પ્રેરણા આપી. હંમેશા શાહી, હંમેશા આભારી.”
દ્રવિડને સપ્ટેમ્બર 2024માં રાજસ્થાન રોયલ્સે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તે પહેલા તેમણે ભારતીય સિનિયર ટીમ, નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) અને અંડર-19 ટીમ સાથે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવેલી હતી. તેમની કોચિંગ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. પરંતુ IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમે 14માંથી માત્ર 4 જ મેચ જીતી હતી. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 8 પોઈન્ટ સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને રહ્યું હતું.
આ પરિણામો બાદ દ્રવિડના રાજીનામાની અહેવાલો ચર્ચામાં આવ્યા હતા. જે હવે સત્તાવાર બની ગયા છે. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું કે દ્રવિડને આગળ પણ મોટી ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેમણે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે દ્રવિડને ટીમની સંસ્કૃતિ અને ખેલાડીઓના વિકાસમાં આપેલા યોગદાન બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.
ગૌરવની વાત એ છે કે રાહુલ દ્રવિડનો રાજસ્થાન રોયલ્સ સાથેનો સંબંધ નવો નથી. તેઓ 2011 થી 2013 સુધી ટીમ માટે ખેલાડી રહ્યા હતા. ત્યારબાદ 2015 સુધી ફ્રેન્ચાઇઝી સાથે માર્ગદર્શક તરીકે જોડાયેલા રહ્યા હતા. એક ખેલાડી અને કોચ બંને રૂપે તેમણે રોયલ્સ પર પોતાની છાપ છોડી છે.
રોયલ્સ દ્વારા જાહેર કરાયેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે “દ્રવિડ ઘણા વર્ષોથી અમારી સફરમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. તેમના નેતૃત્વએ ખેલાડીઓની પેઢીને પ્રભાવિત કર્યા છે અને ટીમના મૂલ્યોને મજબૂત બનાવ્યા છે.”
દ્રવિડના રાજીનામાથી IPL 2026ની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સ માટે નવી કોચિંગ શોધવાની પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. હવે જોવાનું રહેશે કે ફ્રેન્ચાઇઝી આગામી સીઝન માટે કોણે નવા મુખ્ય કોચ તરીકે પસંદ કરે છે.