જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બદર મહોર વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન અને કાચું ઘર ધરાશાયી થવાથી એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે.
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ મુજબ મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:
- નઝીર અહમદ (38 વર્ષ) – પુત્ર બહર દિન, નિવાસી બદર
- વઝીરા બેગમ (35 વર્ષ) – નઝીર અહમદની પત્ની
- બિલાલ અહમદ (13 વર્ષ) – નઝીર અહમદનો પુત્ર
- મોહમ્મદ મુસ્તફા (11 વર્ષ) – નઝીર અહમદનો પુત્ર
- મોહમ્મદ આદિલ (8 વર્ષ) – નઝીર અહમદનો પુત્ર
- મોહમ્મદ મુબારક (6 વર્ષ) – નઝીર અહમદનો પુત્ર
- મોહમ્મદ વસીમ (5 વર્ષ) – નઝીર અહમદનો પુત્ર
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ટેકરી પરથી કાટમાળ ખસી પડ્યું અને નજીકનું કાચું ઘર ધરાશાયી થયું હતું. પરિવારના સભ્યો ઘરમાં સુતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ગામના લોકો અને બચાવદળે તાત્કાલિક રાહત કાર્ય હાથ ધર્યું પરંતુ તમામને બહાર કાઢતી વખતે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રશાસને મૃતકોના પરિવાર માટે શોક વ્યક્ત કર્યો છે અને રાહત સહાયની જાહેરાત કરી છે. સાથે જ અધિકારીઓએ જણાવ્યું છે કે સતત વરસાદને કારણે રિયાસી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. એક સાથે સાત લોકોના મોત તેમાં નાની ઉંમરના બાળકોના મોતને કારણે ગામજનોમાં ભારે ભય જોવા મળ્યો છે.
આવી પ્રાકૃતિક આફતોને પગલે સરકાર અને સ્થાનિક તંત્ર સામે સુરક્ષા અને સ્થળાંતરની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે.