શહેરમાં આગામી એક નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન સાંસદ ખેલ મહોત્સવ યોજાશે
ફૂટબોલ, એથલેટીકસ સહિત વિવિધ બાર રમતો આવરી લેવાશે
વડોદરા
શહેરમાં આગામી એક નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ખેલો ભારત …બઢો ભારતના પ્રેરણાદાય સંદેશાને અનુલક્ષીને સાંસદ દ્વારા આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ખેલ રમત ઉત્સવમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો આજથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 20 સપ્ટેમ્બર સુધી સાંસદ ખેલ મહોત્સવ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. સાંસદ ખેલ મહોત્સવમાં ચેસ, ફૂટબોલ તેમજ વોલીબોલ તથા ખો ખો અને કબ્બડી સહિત 12 રમતો આવરી લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષી દ્વારા ગત પહેલા વર્ષે પણ શહેરમાં આ પ્રકારે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા સતત બીજા વર્ષે શહેરમાં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે આયોજિત સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ વય જૂથના રમત વીરોએ અલગ અલગ રમતોમાં વિક્રમી સંખ્યામાં ભાગ લઈ પોતાનું રમત કૌશલ્ય દર્શાવતા સાંસદ ખેલ મહોત્સવને સમગ્ર શહેરભરમાંથી તેમજ વિવિધ અખાડા તથા રમત સંસ્થાનો તરફથી ઉમળકાભેર આવકાર મળ્યો હતો. ઉત્સવ નગરી અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા રમતોના રંગે રંગાઈ ગયું હતું. એટલું જ નહીં સિદ્ધિપ્રાપ્ત રમત વીરોને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સાંસદ દ્વારા આ વર્ષે આયોજિત કરવામાં આવેલા આ ખેલ મહોત્સવમાં પણ મોટી સંખ્યામાં ભાગ લેશે તેવું અનુમાન સિવાય રહ્યું છે.
શહેરની અખાડા સંસ્કૃતિ પુનર્જીવિત કરવા સાંસદ કૃતનિશ્ચયી
ઉત્સવ અને રમત નગરી તરીકે ઓળખાતા વડોદરામાં એક તબક્કે વિસ્તારે વિસ્તારે વિવિધ રમતો માટેના મેદાનો તથા નાના મોટા અખાડા તથા રમત સંસ્થાઓ કાર્યરત હતી. કાળાંતરે ચિત્ર બદલાયું છે. શહેરની જૂની ઓળખ અને અખાડા સંસ્કૃતિ પુનર્જીવિત થાય બાળકો, યુવાઓ તથા નાના મોટા સૌ કોઈ અખાડામાં વ્યાયામ કરતા થાય તેવા ઉમદા આશયથી પ્રેરાઈ શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ અખાડા સંસ્કૃતિ પુનઃજીવિત કરવા કટિબદ્ધ બન્યા છે. આ માટે તેમણે વીતેલા દિવસો દરમિયાન શહેરના રમતવીરો તેમજ રમત સંસ્થાઓના પદાધિકારીઓ અને પ્રતિનીઘીઓ સાથે સંખ્યાબંધવાર બેઠકો યોજી જરૂરી વિચાર વિમર્શ કરી એક ચોક્કસ રણનીતિ અમલમાં મૂકી છે. સાંસદના આ અભિગમને શહેરમાંથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. આગામી દિવસોમાં એના હકારાત્મક પ્રતિસાદ શહેરને જોવા મળશે તેવા આશાવાદ સેવાઈ રહ્યો છે.