ટેન્ડર મંજૂરી અટવાતા 80 કરોડનો આજવા બેરેજ પ્રોજેક્ટ બે મહિનાથી ખોરંભે
ઉતાવળમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ કામ મેહુલ જીઓ પ્રોજેક્ટ પ્રા. લિ.ને સોંપાયું હતું
વડોદરા શહેર માટે મહત્વપૂર્ણ ગણાતા આજવા બેરેજનું કામ છેલ્લા બે મહિનાથી ખોરંભે ચઢ્યું છે. સંભવિત વરસાદી જોખમોને પહોંચી વળવા રાજ્ય સરકારે આ યોજનાને મંજૂરી આપી હતી, પરંતુ હવે મંજૂરી પ્રક્રિયા અટવાતા કામગીરી શરૂ થતી નથી. ગયા વર્ષે વડોદરામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજવા સરોવરના હાલના બેરેજની નીચે નવું બેરેજ બનાવવા માટે રૂ. 80 કરોડના ખર્ચની યોજના બનાવી હતી. આ કામ સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવાનું છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે રચાયેલી નવલાવલાની અધ્યક્ષતાવાળી સમિતિએ આ કામને જરૂરી ગણાવ્યું હતું. આ માટે ઉતાવળમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ. કામ મેહુલ જીઓ પ્રોજેક્ટ પ્રા. લિ.ને સોંપાયું છે, પરંતુ ટેન્ડરની મંજૂરી હજી સુધી આપવામાં આવી નથી. પરિણામે છેલ્લા બે મહિનાથી આખું કામ અટવાઈ ગયું છે. આથી વડોદરા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ખોરંભે ચઢી ગયો છે.
ટેન્ડર ખૂલતાં જાણવા મળ્યું કે, આ કામ અંદાજિત ખર્ચ કરતાં 45 ટકા ઓછા ભાવે મળ્યું છે. એટલે કે, રૂ. 80 કરોડના પ્રોજેક્ટ માટે ખૂબ નીચા ભાવે ટેન્ડર ખુલ્યું છે. આથી કામની ગુણવત્તા અંગે પણ શંકા ઉભી થઈ છે. ખાસ કરીને જ્યારે બેરેજના નિર્માણમાં મોટા પ્રમાણમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ થવાનો છે, ત્યારે ઓછી રકમમાં કામ કેવી રીતે થશે તે પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, આટલા મોટા કામમાં આટલા નીચા ભાવ ખુલતા પણ સરકારમાં ટેન્ડરની મંજૂરી માટે વિચારણા ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ અનેક ટેન્ડરમાં ઓછી બિડ્સમાં મળેલા કામોમાં ગુણવત્તાની ખામીઓ રહી ગઈ છે. તાજેતરમાં જ વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ જેવી ઘટનાઓ બાદ ગુણવત્તા મુદ્દે સાવચેતી રાખવી જરૂરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ કામોમાં ભાગીદારી અને ટકાવારીના કારણે ગુણવત્તા ઘટી છે, જેના ઉદાહરણો તાજેતરમાં સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજવા સરોવર વડોદરાના પાણી પુરવઠા માટે મહત્વનું છે. તેથી અહીં બેરેજનું કામ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે જરૂરી છે. પરંતુ હાલ મંજૂરીમાં વિલંબ અને કામ ખોરંભે ચઢતા પ્રોજેક્ટ અટક્યો છે.