Vadodara

વડોદરા પાલિકાના ઉત્તર ઝોનમાં છેલ્લા કેટલાક દિવસથી નાગરિકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં છેલ્લા કેટલાક દિવસથી નાગરિકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા હતા. તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે પાણી પુરવઠા વિભાગમાંથી રોડ વિભાગમાં બદલી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા જ આ માટે જવાબદાર હતા. મળતી માહિતી મુજબ, યોગેશ વસાવાએ સુનિયોજિત કાવતરું ઘડીને પાણીના વાલ્વ બંધ કરાવ્યા હતા. ઉત્તર ઝોનમાં ફરજ ન હોવા છતાં તેણે જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકી અને સુપરવાઇઝર સંજય માળીને આદેશ આપ્યો હતો. બંનેએ જાણતા હોવા છતાં કે યોગેશ વસાવા રોડ વિભાગમાં ફરજ બજાવે છે, તેમ છતાં તેના આદેશનું પાલન કરી ષડયંત્રને સહકાર આપ્યો હતો.

આ દરમિયાન રહીશોની ફરિયાદો વધતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી, જેમાં વાલ્વ બંધ કરવા જતા હોવાનો પુરાવો મળ્યો અને ભાંડો ફૂટ્યો. તપાસમાં ખુલ્યું કે જેસીબી ડ્રાઈવરે ફોન પર યોગેશ વસાવાને સંપર્ક કરી વાલ્વ બંધ કરવાની પુષ્ટિ પણ કરી હતી. જૂન મહિનામાં જ યોગેશ વસાવાની બદલી પાણી પુરવઠા વિભાગમાંથી રોડ વિભાગમાં થઈ હતી. તેમ છતાં તેણે પૂર્વ વિભાગમાં દખલ કરી પાણીની સમસ્યા ઊભી કરી. અંદાજિત 25 હજાર લોકોને પાણી ન મળવાથી પરેશાન થયા હતા. ખાસ કરીને ટીપી 13 વિસ્તાર, નવાયાર્ડ, લાલપુરા અને નિઝામપુરા વિસ્તારમાં નાગરિકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. યોગેશ વસાવા છેલ્લા અંદાજે 15 વર્ષથી કોર્પોરેશનમાં સેવા આપી રહ્યા છે. તાજેતરમાં જ તેમને મદદનીશ ઇજનેરમાંથી નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે પ્રમોશન મળ્યું હતું. હવે પાણી પુરવઠા વિભાગમાં તેમણે કેટલો સમયથી આવી રીતે ષડયંત્ર રચ્યું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

કમિશનર મંજૂરી બાદ પાણી પુરવઠા વિભાગ પોલીસ ફરિયાદ કરશે

પાણી પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે આંતરિક તપાસ કરી કમિશનર અરુણ મહેશ બાબુ પાસે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મંજૂરી મેળવવામાં આવશે. જે બાદ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.

Most Popular

To Top