કિંમતી પીવાનું પાણી વેડફાતાં નાગરિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી
તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ, આંદોલન ની ચીમકી

વડોદરા શહેરના ઊંડેરા વિસ્તાર સ્થિત આવાસ નજીક મુખ્ય પાણી પુરવઠાની લાઇનમાં છેલ્લા કેટલાંક દિવસથી ગંભીર લીકેજ સર્જાયું છે. આ લીકેજને પગલે રોજબરોજ હજારો લીટર પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણી રોડ પર વહેતાં રહેતા વિસ્તારના નાગરિકો ભારે પરેશાન થઈ ગયા છે અને તંત્રની બેદરકાર વૃત્તિ સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે.
સ્થાનિક રહીશો જણાવે છે કે આ લીકેજ અંગે ઘણી વખત મ્યુનિસિપલ તંત્રને દાદ આપી હતી, પરંતુ હજી સુધી કોઈ વહીવટી કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે સતત વહેતા પાણીના કારણે માર્ગો પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોમાં ભીતિ છે કે આવા પાણી ભરાવાને કારણે રસ્તાઓ પર ભુવા (ખાડા) પડી શકે છે, જેને કારણે દુર્ઘટનાનો ભય ઊભો થયો છે.
રોજિંદા ઉપયોગ માટે પાણીની તંગી વેઠતા એક તરફ નાગરિકો ત્રાસ સહન કરી રહ્યાં છે, જ્યારે બીજી તરફ હજારો લીટર પાણી વેડફાઈ જતાં નાગરિકો તંત્રની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
સ્થાનિક નાગરિકો તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે જો સમયસર મરામતની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો પાણીની નાસીજતી સાથે અકસ્માત જેવી મોટી દુર્ઘટના બને તે અચંબાની વાત નહીં ગણાય.
નાગરિકોની સ્પષ્ટ માંગ કરી છે કે તંત્ર ત્વરિત પાણીની લાઇનનું લીકેજ ઠીક કરી સમસ્યા દૂર કરે, જેથી પાણી વ્યય અટકે અને લોકોનો ત્રાસ ઘટાડાય. જો એમ કરવામાં તંત્ર ઢીલાશ દાખવશે તો આંદોલન નો માર્ગ અપનાવવો પડશે.