જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાએ ગુરુવારે વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ કાર્યવાહીને કારણે સરહદ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
સેનાના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી ગુપ્તચર માહિતીના આધારે ગુરેઝ સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ દરમ્યાન સતર્ક સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ જોઈ અને ઘૂસણખોરોને પડકાર્યો.
આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં ભારતીય સેનાએ વળતો પ્રહાર કરતા બંને આતંકવાદીઓને ઠાર માર્યા. હાલ ઓપરેશન ચાલુ છે અને વિસ્તારમાં ચુસ્ત તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ અખાલ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તા.30 જુલાઈના રોજ પૂંછ જિલ્લામાં “ઓપરેશન શિવ શક્તિ” દરમ્યાન સેનાએ લશ્કર-એ-તૈયબાના બે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એકમોની સહાયથી ચલાવવામાં આવ્યું હતું.
સેના સ્રોતોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની તરફથી સતત ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ ભારતીય સેનાની સતર્કતા અને ઝડપથી આપેલા પ્રતિસાદને કારણે દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. ગુરેઝ સેક્ટર ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓ વારંવાર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા રહે છે.
ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે ઘૂસણખોરીનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં નહીં આવે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય.