મધ્યપ્રદેશના મહુ ખાતે આજ રોજ તા.27 ઓગસ્ટ 2025ના બુધવારે યોજાયેલા રણ-સંવાદ 2025 કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યના યુદ્ધોની દિશા અને ભારતની રણનીતિ વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ક્યારેય પહેલો હુમલો કરતું નથી પરંતુ જો કોઈ દેશ પડકારશે તો ભારત સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા તૈયાર છે.
રાજનાથ સિંહે કહ્યું કે કાર્યક્રમનું નામ ”રણ-સંવાદ” ખૂબ અર્થસભર છે. એક તરફ “રણ” શબ્દ યુદ્ધ અને સંઘર્ષ દર્શાવે છે જ્યારે બીજી તરફ “સંવાદ” શબ્દ ચર્ચા, સમાધાન અને શાંતિનો સંદેશ આપે છે. પહેલી નજરે આ બે શબ્દો વિરોધાભાસી લાગે છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાં યુદ્ધ અને સંવાદ બંને એકબીજા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે તેમણે મહાભારતનું ઉલ્લેખ કરતાં કહ્યું કે ભગવાન કૃષ્ણએ યુદ્ધ અટકાવવા માટે પહેલા સંવાદનો પ્રયાસ કર્યો હતો પણ જ્યારે સંવાદ નિષ્ફળ રહ્યો ત્યારે જ યુદ્ધ થયું હતું.
ભારત ભવિષ્યનું યુદ્ધ કઈક આવી રીતે લડશે: રાજનાથ સિંહ
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત ભવિષ્યના યુદ્ધો માત્ર શસ્ત્રોની લડાઈ નહીં રહે. તે ટેકનોલોજી, બુદ્ધિ, અર્થતંત્ર અને રાજદ્વારી પર આધારિત રહેશે. 21મી સદીમાં યુદ્ધના માધ્યમોમાં ઝડપી ફેરફારો આવી રહ્યા છે. માત્ર સૈનિકોની સંખ્યા અથવા હથિયારોનો ભંડાર પૂરતો નથી. સાયબર યુદ્ધ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન, ઉપગ્રહ આધારિત દેખરેખ અને ડેટા આધારિત યુદ્ધની ટેક્નિક્સ ભવિષ્યમાં નિર્ણાયક સાબિત થશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આજના યુદ્ધો માત્ર જમીન, હવા અને સમુદ્ર સુધી મર્યાદિત નથી પરંતુ હવે અવકાશ અને સાયબરસ્પેસમાં પણ વિસ્તર્યા છે. સેટેલાઇટ સિસ્ટમ્સ, એન્ટી-સેટેલાઇટ શસ્ત્રો અને અવકાશ કમાન્ડ સેન્ટર જેવી ક્ષમતાઓ શક્તિના નવા સ્ત્રોત બની રહ્યા છે. તેથી ભારતે માત્ર રક્ષણાત્મક તૈયારીઓ પર જ નહીં પણ સક્રિય વ્યૂહરચના પર પણ ભાર મૂકવો પડશે.
ભારત ક્યારેય યુદ્ધ ઇચ્છતું નથી
રાજનાથ સિંહે પાકિસ્તાનનો પરોક્ષ ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત ક્યારેય યુદ્ધ ઈચ્છતું નથી. ભારતની નીતિ શાંતિ પર આધારિત છે અને કોઈ આક્રમક ઈરાદો નથી. તેમ છતાં જો કોઈ રાષ્ટ્ર ભારતને પડકારશે તો ભારત તેની સંપૂર્ણ સૈન્ય અને ટેક્નોલોજી શક્તિથી જવાબ આપશે. ભારતે પોતાની રક્ષા ક્ષમતામાં સતત વધારો કરવો જ પડશે જેમાં આધુનિક તાલીમ, નવી ટેક્નોલોજી અને વૈશ્વિક ભાગીદારીનો સમાવેશ થાય છે.
અંતે રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં જે દેશ ટેકનોલોજી, વ્યૂહરચના અને અનુકૂલનક્ષમતામાં આગળ રહેશે તે જ સાચો વૈશ્વિક નેતા બનશે. ભારત પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.