Sports

અશ્વિને IPLને પણ કહ્યું ગૂડબાય, હવે વિદેશી લીગમાં કરશે નવી શરૂઆત

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને અંતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અશ્વિને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને હવે IPLને પણ ગુડબાય કહી દીધું છે. પોતાના નિવેદનમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ક્રિકેટ પ્રત્યેનો તેમનો ઉત્સાહ હજી જીવંત છે અને હવે તેઓ વિશ્વની વિવિધ ફ્રેન્ચાઇઝી લીગ્સમાં રમતા જોવા મળશે.

અશ્વિને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે દરેક અંત એક નવી શરૂઆત છે. IPL ક્રિકેટર તરીકેની મારી સફર આજે પૂરી થાય છે પરંતુ હું રમતનું અન્વેષણ કરવાનું ચાલુ રાખીશ અને વિવિધ લીગમાં રમીશ. સાથે જ તેમણે પોતાની તમામ ફ્રેન્ચાઇઝીઓ અને ફેન્સનો પણ આભાર વ્યક્ત કર્યો.

અશ્વિનનું IPL કરિયર અત્યંત પ્રભાવશાળી રહ્યું છે. 2010 અને 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમતાં તેમણે ટીમને બે વખત ખિતાબ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોતાના લાંબા IPL કરિયરમાં અશ્વિને કુલ 221 મેચ રમી અને 187 વિકેટ પોતાના નામે નોંધાવી છે.

2025ની IPL સીઝનમાં અશ્વિન ફરી CSK સાથે જોડાયા હતા જેમાં ટીમે તેમને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં તેણે 9 મેચમાં 7 વિકેટ લીધી હતી. તેમ છતાં IPLના ઇતિહાસમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2014માં આવ્યું હતું જ્યારે તેણે 16 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.

અશ્વિનને IPLમાં પાંચ અલગ અલગ ટીમો માટે રમવાનો અનુભવ રહ્યો છે. CSK સિવાય તેણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે.

અશ્વિનના નિવૃત્તિની સાથે ભારતીય ફેન્સ માટે એક યુગનો અંત આવ્યો છે. તેમ છતાં તે વિશ્વની અન્ય લીગ્સમાં પોતાની જાદુઈ બોલિંગ અને અનુભવો વડે ક્રિકેટ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરતો રહેશે.

Most Popular

To Top