National

દિલ્હીમાં નવો વિવાદ: UER-2 ટોલ ટેક્સનો વિરોધ, ગ્રામજનોએ આંદોલનની ચેતવણી આપી

રાજધાની દિલ્હીના લોકો માટે એક નવો તણાવ ઊભો થયો છે. હવે તેમને UER-2 (Urban Extension Road-2) પર ટોલ ચૂકવવો પડશે. પરંતુ ટોલ શરૂ થયા બાદ માત્ર બે જ દિવસમાં સ્થાનિક ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો છે. ગત મંગળવારે લગભગ 12 જેટલા ગામોના લોકો મુંડકા-બક્કરવાલા ટોલ પ્લાઝા પર એકઠા થયા અને પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ કર્મચારીઓને ટોલ પ્લાઝા પરથી ભગાડી દીધા હતા જેના કારણે વસૂલાત બે કલાક માટે બંધ થઈ ગઈ.

ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે રાજધાની દિલ્હીમાં ટોલ અસ્વીકાર્ય છે. તેમણે દાવો કર્યો કે અહીં પહેલેથી જ ગુરુગ્રામ તરફ 20 કિલોમીટર દૂર ટોલ વસૂલાય છે ત્યારે નવી ટોલ વસૂલાત યોગ્ય નથી. પ્રદર્શનકારીઓએ મુક્ત અવરજવરની માંગણી કરી અને ચેતવણી આપી કે જો રવિવાર સુધી ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન ફરી શરૂ કરશે.

ટ્રાફિક ખોરવાયું – ટોલ ફ્રી રસ્તો
મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટોલ પ્લાઝા પર પહોંચી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. રસ્તાની વચ્ચે ધરણા બેસી જતા ટ્રાફિક ખોરવાઈ ગયો. યુવાનોના દબાણ બાદ ટોલ કર્મચારીઓએ વસૂલાત બંધ કરી દીધી અને સ્થળ પરથી ખસી ગયા હતા. પરિણામે લગભગ બે કલાક સુધી ટોલ વસૂલાત ઠપ્પ રહી અને વાહનો ટેક્સ વગર પસાર થતા રહ્યા.

ધારાસભ્યે આપી ઉકેલની ખાતરી
સ્થિતિ ગંભીર બનતા મુંડકાના ધારાસભ્ય ગજેન્દ્ર દરાલે ગ્રામજનોથી મુલાકાત કરી હતી. તેમણે ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી આપી ત્યારબાદ ગ્રામજનોએ સ્થળ છોડ્યું. જોકે લોકોએ ચેતવણી આપી છે કે જો સરકાર સ્પષ્ટ નિર્ણય નહીં લે તો તેઓ ફરી રસ્તા પર ઉતરશે. જોકે પરિસ્થિતિ કાબૂમાં રાખવા મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરાયું.

ગ્રામજનોએ સરકાર અને NHAI સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે:

  • નજીકના ગામોના લોકોને ઓળખપત્રના આધારે મુક્ત પ્રવેશ આપવામાં આવે.
  • ખેડૂતો અને સ્થાનિકો માટે સર્વિસ લેન તાત્કાલિક બનાવવામાં આવે.
  • ટોલ ટેક્સ વસૂલાત તરત જ બંધ કરવી જોઈએ.

ખાપ 360 ના વડા રામકુમાર સોલંકીએ જણાવ્યું કે અત્યાર સુધી દિલ્હીના કોઈ હાઈવે પર ટોલ લાગુ નથી થયો. આ વસૂલાત સંપૂર્ણપણે ખોટી છે.

યુવા સંગઠન 360 દિલ્હી અને એનસીઆરના વિજય માનએ દાવો કર્યો કે UER-2 તો ગ્રામજનોની જમીન પર બનાવવામાં આવ્યો છે છતાં સ્થાનિકોને જ ટોલ ચૂકવવું પડે છે. તેમણે ચેતવણી આપી કે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મોટી પંચાયત બોલાવવામાં આવશે અને ટોલ પ્લાઝા પર અનિશ્ચિત ધરણાં શરૂ થશે.

આ પ્રસંગે બક્કરવાલાના ગોમાતા મંદિરના ધર્મેન્દ્ર સિંહ, નીલવાલ ગામના દિલબાગ, અન્નદીપ દરાલ, રાણીખેડાના વિજય ડબાસ, રસુલપુરના રવિન્દ્ર ડબાસ અને બાપડોલાલાથી સતપાલ સોલંકી સહિત અનેક ગામોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top