Vadodara

હાઈવે પર નૉ-પાર્કિંગ ઝોનમાં ટ્રકો ઉભી રહી જતાં ટ્રાફિક જામ અને જોખમ

વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે હેવી વાહનોના ગેરકાયદે પાર્કિંગથી વાહનચાલકોને મુશ્કેલી

ટ્રાફિક વિભાગ અને હાઇવે ઓથોરિટીના આંખ આડા કાનથી ટોલ પાસે હેવી વાહનોનું ગેરકાયદે પાર્કિંગ યથાવત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા ટોલ નજીક નો- પાર્કિંગમાં રોજ મોટી સંખ્યામાં હેવી વાહનો ઉભા રહે છે. ખાસ કરીને ટોલથી અંદાજે 50 મીટર અંતરે જ ટ્રક અને અન્ય વાહનો ખડકી દેવાતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાહનચાલકોનું કહેવું છે કે હાઈવે પર સતત ભારે ટ્રાફિક રહે છે. આવી સ્થિતિમાં જો ટ્રક અને ટ્રેલર ટોલ નજીક જ ઉભા રહી જાય તો બાકી વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. હાઈવે પર ઝડપથી જતા વાહનોને અચાનક અટકેલા હેવી વાહનોના કારણે અકસ્માતનો ભય વધે છે. ટ્રક ડ્રાઈવરો લાંબી મુસાફરી દરમિયાન આરામ લેવા કે ટોલ પાર કર્યા પછી થોડું દૂર ઉભા રહેવા આ વિસ્તાર પસંદ કરે છે. પરંતુ નિયમો મુજબ હાઈવે પર કે ટોલ પ્લાઝા નજીક આવા વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતાં દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીં પાર્ક થતાં હોવાથી ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતા વધી રહી છે.

વાહનચાલકોનું માનવું છે કે ટોલ પાસે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. હાઈવે પર ખાસ કરીને હેવી વાહનો માટે અલગ પાર્કિંગ ઝોન બનાવવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે. ટ્રાફિક વિભાગ અને હાઈવે ઓથોરિટીની જવાબદારી છે કે તેઓ નિયમોનું કડક પાલન કરાવે. જો ટોલથી 50 મીટરના અંતરે જ વાહનો ઉભા રહેતા રહેશે તો હાઈવે પર ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. વાહનચાલકો વારંવાર આ બાબતે રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ અસરકારક પગલા લેવાયા નથી.


હાઈવે ઓથોરિટીની લાપરવાહીથી ગોલ્ડન ચોકડી પાસે ખુલ્લી ગટરની સમસ્યા

વડોદરાના હાલોલ રોડ પર ગોલ્ડન ચોકડી પાસે હાઈવેને અડીને જ ખુલ્લી ગટર હોવાને કારણે વાહનચાલકોને અકસ્માતનું જોખમ ઉભું થયું છે. રોડ પર ઝડપથી દોડતા વાહનો અચાનક ગટર પાસે આવી જાય છે, જેથી અકસ્માત થવાની શક્યતા છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતું લાઇટિંગ ન હોવાને કારણે આ જોખમ વધુ વધી જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ આ બાબત અંગે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પગલા લેવાયા નથી. રોડના આ ભાગમાં રોજ સૈંકડો વાહનો પસાર થાય છે, જેમાં ટ્રક અને બસ સહિત નાના વાહનોનો સમાવેશ થાય છે. ખુલ્લી ગટર પર ઢાંકણ ન મુકાતા વાહન ખાબકી જવાની કે નિયંત્રણ ગુમાવી દેવાની શક્યતા સતત રહી છે. લોકોની માંગ છે કે તાત્કાલિક આ ગટર પર ઢાંકણ મુકવામાં આવે અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે, જેથી કોઈ મોટો અકસ્માત ન બને.

Most Popular

To Top