નેશનલ હાઈવે નંબર 48 પર વાહનોની કતારો લાગી :
સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં સાંસદ સહિતના રાજકીય નેતાઓ નબળા પુરવાર થયા :
( પ્રતિનિધી )વડોદરા,તા.26
નેશનલ હાઈવે નંબર 48 પર સતત ચોથા દિવસે પોર બ્રિજ પર અને સર્વિસ રોડ ઉપર પણ લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેના પગલે નોકરિયાતો, વિદ્યાર્થીઓ , મુસાફરો સાથે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ આ ટ્રાફિકજામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. જેના સાયરન લાંબો સમય સુધી ગુંજતા રહ્યા પણ એમ્બ્યુલન્સને રસ્તો મળ્યો ન હતો. કલાકોના ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવનાર વડોદરાના સાંસદ સહિતના નબળા રાજકીય નેતાઓ સામે પોતાનો બળાપો કાઢ્યો હતો.

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ભારદારી સહિતના તમામ વાહનોને ધીમા હાંકવાની ફરજ પડી રહી છે. પોર રમણગામડી, કરજણના ઉદ્યોગોમાં નોકરી માટે જતાં કામદારોને પણ નોકરી પર જવા માટે એક થી ત્રણ કલાક સુધી વહેલા નિકળવું પડી રહ્યું છે. જો સમયસર તેઓ નોકરીના સ્થળે ન પહોંચે તો પગાર કપાઈ જવાની નોબત આવી છે. આવી જ રીતે ઉદ્યોગોપતિઓની પણ ફરિયાદ છે કે, એક્સપોર્ટ -ઈમ્પોર્ટના કંટેનરો સમયસર ન આવતા ડેમરેજ ચાર્જીસ તેમને ચુકવવા પડે છે. રોજના હજારો રૂપિયાનો ચાર્જ તેમને લાગતો હોય છે. સમયસર તૈયાર માલ રવાના ન થતો હોવાના કારણે પણ માલ મંગાવનાર પાર્ટીને આપવામાં આવેલા વાયદા પળાતા નથી. કેટલીક વખત વિવાદ પણ થાય છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવા યુધ્ધના ધોરણે કાર્યવાહી થવી જરૂરી છે. નેશનલ હાઇવે 48 ઉપર ભરથાણા ખાતેથી ટોલ વસૂલવામાં આવે છે તે હાલમાં બિસમાર માર્ગોના કારણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ વસૂલવો ન જોઇએ તેવી પણ માંગ ઉઠી છે. વારંવાર ટ્રાફિક જામના પગલે વાહનોના ઈંધણની વપરાશ પણ ગણનાપાત્ર રીતે વધી જવા પામ્યો છે. આ સાથે વડોદરા નજીક આવેલા જાંબુઆ પોરણામાં રોડ ઉપર પણ ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે ટ્રાફિક ધીમો ચાલી રહ્યો છે તેવામાં સતત ચોથા દિવસે પણ પોર બ્રિજ ઉપર અને પોર બ્રિજ નીચેના સર્વિસ રોડ પર પણ ભારે ટ્રાફિક જામ થયો હતો કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. જ્યારે બીજી તરફ એક 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. ખાસ કરીને સ્થાનિક આસપાસની સોસાયટી અને ગામમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.