Vadodara

ઇલેક્ટ્રિકલ ઇજનેર તરીકે કાઠુ ન કાઢનારા જતન બધેકાને ફ્યુચરિસ્ટિક સેલમાં નાયબ કાર્યપાલક ઈજનેર બનાવી દેવાયા

કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સિવિલ પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ!

સિવિલ કાર્યો માટેના ફ્યુચરિસ્ટિક સેલમાં ઇલેક્ટ્રિકલ ઇજનેરની નિમણૂકથી વિવાદ

વડોદરા મહાનગરપાલિકા ખાતે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સિવિલ ઇજનેરની જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇજનેર જતન બધેકાની નિમણૂક કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે આ વિભાગમાં મુખ્યત્વે સિવિલ ઇજનેરોની જરૂરિયાત રહેતી હોય છે. કારણ કે ફ્યુચરિસ્ટિક સેલ શહેરના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સાથે જોડાયેલો વિભાગ છે. હાલની સ્થિતિ એવી છે કે વિભાગના વડા સિવિલ ઇજનેર છે, કાર્યપાલક ઇજનેર પણ સિવિલ છે, તેમજ મદદનીશ ઇજનેર પણ સિવિલ છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈલેક્ટ્રિકલ ઇજનેર જતન બધેકાને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે મુકવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે પણ જતન બધેકની કામગીરી કઇ ખાસ રહી નથી. પાલિકા તરફથી આ બદલાવ અંગે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. જેના કારણે આ નિર્ણય પાલિકા બેડામાં વધુ ચર્ચામાં આવ્યો છે. આ સેલ દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠે વેટીવર ઘાસ રોપવાની અને ગેબિયન વોલ બનાવવા જેવી કામગીરી કરાઈ છે અને કરવામાં આવવાની છે. આ બન્ને કાર્યો મૂળભૂત રીતે સિવિલ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છે. તેથી ઇલેક્ટ્રિકલ ઇજનેર તરીકે જતન બધેકા આ કાર્યોમાં કેવી રીતે તકનિકી રીતે યોગદાન આપી શકશે તે સવાલો ઊભા થયા છે.

સામાન્ય રીતે દરેક વિભાગમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાત ઇજનેરોને મુકવાની પરંપરા રહેતી આવી છે. પરંતુ જો આવી જ નિમણૂકો થતી રહેશે તો ભવિષ્યમાં ગેરસંબંધિત વિભાગોમાં ઇજનેરોને મુકવાની નવી પ્રથા વધી શકે છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિકલ ઇજનેરો સિવિલ કામો સંભાળશે અને સિવિલ ઇજનેરોને ઇલેક્ટ્રિક વિભાગમાં મુકવામાં આવશે. મહાનગરપાલિકા તરફથી આ નિમણૂક અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ અંદરખાને ચર્ચા ચાલી રહી છે કે આ નિયુક્તિ ફ્યુચરિસ્ટિક સેલમાં ચાલી રહેલા ખાસ પ્રોજેક્ટો પર અસર કરી શકે છે.

Most Popular

To Top