ખાડામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને અકસ્માતનો ભય
સ્થાનિકો દ્વારા વોર્ડ લેવલે અનેક રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મધુબન પેલેસથી શરણમ સિગ્નેચર સુધીનો મુખ્ય રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. રોડ પર મોટી સંખ્યામાં ખાડા પડી ગયા હોવાથી સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી તેઓ વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં કોઈ યોગ્ય કામગીરી થતી નથી. વોર્ડ લેવલે પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. રોડની બિસ્માર હાલતને કારણે દૈનિક અવરજવર કરનાર લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પાલિકાએ તાજેતરમાં જ શહેરમાં હજારો ખાડા પુરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હરણી વિસ્તારની હકીકત એ દાવાને ખોટો સાબિત કરે છે. અનેક જગ્યાએ રોડ પર હજુપણ ખાડા ભરાયેલા નથી, જેના કારણે પરિસ્થિતિ જેવીની તેવી જ રહી છે. વરસાદી સિઝનમાં ખાડામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય પણ રહે છે.
રહેવાસીઓ જણાવે છે કે સામાન્ય નાગરિકોની સમસ્યાઓને વારંવાર અવગણવામાં આવે છે. નેતાઓ પોતાના સ્વાર્થ કે રાજકીય કાર્યક્રમોને અગ્રીમતા આપે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા માટે કોઈ ખાસ ધ્યાન આપતા નથી. હરણી વિસ્તારની આ સમસ્યા તેનું તાજું ઉદાહરણ છે. રોડ પરની હાલતને કારણે દ્વિચક્રી વાહનચાલકો માટે સૌથી વધુ મુશ્કેલી ઉભી થઈ છે. બાળકોને સ્કૂલે પહોંચાડવા જતા માતા-પિતાને પણ રોજ ખાડાભરેલા રસ્તેથી પસાર થવું પડે છે. સાથે જ વૃદ્ધો અને દર્દીઓને હોસ્પિટલ લઈ જતી વખતે વાહનમાં ભારે ઝટકાઓ લાગતા પરેશાનીઓ વધે છે. સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે કે પાલિકા તાત્કાલિક પગલાં લે અને રોડને યોગ્ય રીતે સમારકામ કરી ઉપયોગલાયક બનાવે. માત્ર ખાડા પુરવાના કામથી હાલત સુધરશે નહીં, પરંતુ સંપૂર્ણ રોડનું પુનઃનિર્માણ કરવું જરૂરી બની ગયું છે. જો આવું નહીં થાય તો સમસ્યા યથાવત રહેશે અને લોકોને હેરાનગીનો સામનો કરવો પડશે.