CSR ફંડ હેઠળ ખરીદીનો દાવો છતાં તાત્કાલિક જરૂરિયાત બતાવી ટેન્ડર વિના મશીનો લેવાયા
ટેન્ડર પ્રક્રિયા બાજુએ મૂકી મનપસંદ કંપની પાસેથી 9.31 લાખના ખર્ચે ખરીદી કરનારા જવાબદાર અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં
વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં 19 વેન્ડિંગ મશીનો ખરીદવામાં આવ્યા છે. એક મશીનની કિંમત રૂ. 49 હજાર રાખીને કુલ 9.31 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મશીનો એન્વીપ્યોર સોલ્યુશન નામની કંપની પાસેથી લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે પાલિકામાં આવી ખરીદી ટેન્ડર પ્રક્રિયા દ્વારા થતી હોય છે, પરંતુ આ વખતે સીધી ખરીદી કરવામાં આવતા સવાલો ઊભા થયા છે. વિભાગના અધિકારી સ્વપ્નિલ વ્યાસનું કહેવું છે કે તાત્કાલિક જરૂરિયાત હોવાથી ટેન્ડર કર્યા વગર મશીન ખરીદવા પડ્યા હતા. બીજી તરફ એ જ વિભાગના અધિકારી કશ્યપ શાહનું કહેવું છે કે આ મશીનો CSR ફંડ હેઠળ ખરીદાશે. એક જ મુદ્દે બે જુદા જુદા નિવેદનો આવતા ખરીદીની પારદર્શકતા અંગે શંકા ઊભી થઈ છે.
આટલી મોટી ખરીદી ટેન્ડર વિના કરવા છતાં હજી સુધી પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી. વધુમાં આ કોઈ ઇમરજન્સી સેવા ન હતી કે તાત્કાલિક ટેન્ડર વિના ખરીદી કરવી પડે. નિયમ મુજબ પહેલાં એકાદ મશીન લગાવી તેનું પરિણામ જોવું અથવા પછી ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખરીદી કરવી એ યોગ્ય રીત હતી, પરંતુ અધિકારીઓએ મનમાની કરતા સીધી ખરીદી કરી નાખી. વિભાગની બેદરકારી છતી થતી હોવા છતાં હજી સુધી જવાબદાર અધિકારીઓ પર કોઈ પગલા લેવાયા નથી. વળી, સ્વપ્નિલ શુક્લને તો ફ્યુચરિસ્ટિક સેલ વિભાગના હેડ તરીકે મૂકી દેવાયા છે. મહત્વનું છે કે બજારમાં આવા જ મશીનો માત્ર 15 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે પાલિકાએ 30 હજાર (GST સહિત) દરે ખરીદી કરી છે. એટલે કે બજારની તુલનાએ બે ગણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોઈ સ્પષ્ટતા ન મળતા સોલિડ વેસ્ટ વિભાગની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે.