Vadodara

વડોદરામાં કૃત્રિમ તળાવ માટે કરોડોનો ખર્ચ, પરંતુ ઐતિહાસિક તળાવોની અવગણના

તળાવોની જાળવણીમાં પાલિકા નિષ્ફળ
જંગલી વનસ્પતિ, ગંદકી અને મચ્છરોથી તળાવની સ્થિતિ નરક સમાન, પાલિકા તંત્રની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ

વડોદરા: વડોદરા શહેરમાં એક તરફ ગણપતિ વિસર્જન અને દશામાં વિસર્જન જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. પરંતુ બીજી તરફ વર્ષો જૂના અને પૌરાણિક તળાવોની વાસ્તવિક સંભાળ રાખવામાં પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. શહેરનું ઐતિહાસિક રામનાથ તળાવ તેનું જીવંત ઉદાહરણ છે.

હાલમાં જ લાખો રૂપિયાનો ખર્ચ કરીને રામનાથ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આજની સ્થિતિમાં તળાવની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. તળાવમાં જંગલી વનસ્પતિ ઊગી નીકળી છે, તળાવમાં ગંદકી જમા થઈ ગઈ છે તેમજ અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ઉપરાંત મચ્છરોના પ્રચંડ પ્રકોપથી આસપાસના રહેવાસીઓ આરોગ્યના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક રહીશોની ફરિયાદ મુજબ, પાલિકા તંત્રનો વિભાગ તળાવની નિયમિત સાફસફાઈમાં નિષ્ફળ રહ્યો છે. લાખો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ તળાવની હાલત બગડેલી જોવા મળે છે, જે પાલિકા તંત્રની અસમર્થતાને ખુલ્લી કરે છે.
રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે, પાલિકા તંત્રના અધિકારીઓ તથા કેટલાક નગરસેવકો પોતાની સગવડ માટે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને કામ સોંપે છે અને પછી તેની જાળવણી તરફ કોઈ ધ્યાન આપતા નથી. આખરે ફરિયાદ એવી છે કે નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સના રૂપિયામાંથી માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના હિત જ સંતોષાઈ રહ્યા છે.

આવા સમયે નાગરિકોમાં તીવ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. રહેવાસીઓએ સ્પષ્ટ માગણી કરી છે કે, જેમ રોડ પર ગંદકી ફેલાવતા સામાન્ય વ્યક્તિ પર દંડ વસૂલવામાં આવે છે, તેમ શહેરના જાહેર સાધનોનું જતન ન કરતાં પાલિકા તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

વડોદરાના પૌરાણિક તળાવોની સ્થિતિ આજે નગ્ન સત્ય કહી રહી છે કે કરોડોના ખર્ચા છતાં પણ વિકાસના દાવા ફક્ત કાગળ સુધી જ સીમિત છે.

Most Popular

To Top