વાડીની દુર્ઘટના બાદ પણ પાઠ ન શીખ્યું તંત્ર, હવે વાઘોડિયા રોડ પર જોખમી સ્લેબ તૂટતા લોકો માં ભય

વડોદરા શહેરમાં રસ્તા પર પડતા ભુવા, ખાડા અને તૂટી ગયેલા સ્લેબ જેવી પરેશાનીઓ નાગરિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. શહેરના વ્યસ્ત વાઘોડિયા રોડ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વરસાદી કાસ પરનો સ્લેબ તૂટી પડ્યો છે. આ વિસ્તાર શહેરના મુખ્ય રસ્તાઓમાંથી એક ગણાય છે જ્યાંથી સતત ભારે માત્રામાં વાહન વ્યવહાર ચાલે છે અને સવારે તથા બપોરે સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં પગપાળા પસાર થાય છે.
સ્થાનિક લોકોને આ તૂટી ગયેલો સ્લેબ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે પરંતુ નગરપાલિકાના અધિકારીઓ કે સ્થાનિક કાઉન્સિલરોના ધ્યાન સુધી આ બાબત પહોંચી નથી. નાગરિકોમાં એવી ભારે નારાજગી દેખાઈ રહી છે કે જ્યારે સામાન્ય લોકો આ ખતરનાક સ્થિતિ જોઈ શકે છે, ત્યારે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ શા માટે અંધ બની બેઠા છે?
આ તૂટી ગયેલો સ્લેબ કોઈપણ ક્ષણે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ખાસ કરીને સ્કૂલ જતા નાના છોકરાઓ કે મોટરસાયકલ પર પસાર થનારા વાહનચાલકો માટે આ જોખમ ચોંકાવનારું છે. થોડાક સમય પહેલાં જ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં એક છોકરાનો કાસ માં પડી જવાથી દુર્ભાગ્યપૂર્ણ મોત થયેલું હતુ. તેવા સમયે પણ પાલિકાએ કાસ નું જાળવણી કામ સમયસર ન કરતાં ફરીથી એવી જ દુર્ઘટનાનું ભય ઊભું થઈ રહ્યું છે.
નાગરિકોએ પાલિકાને આ સ્લેબ તાત્કાલિક સુધારવા રજૂઆત અપીલ કરી છે, સ્થાનિકો તો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે “શું પાલિકા મોટી ઘટના બને પછી જ એક્શન લેશે?”
સ્થાનિક નાગરિકોની માગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક ધોરણે આ સ્લેબ બદલાવીને રોડ પર સલામતીના પગલાં અમલમાં લાવે જેથી દુર્ઘટનાઓ અટકાવી શકાય. અહીં પાલિકા જો સમયસર જાગૃત ન બને તો ટૂંક સમયમાં બનનાર કોઈ ગંભીર અકસ્માત માટે સીધી જવાબદાર ગણાશે.