સોમવારે શહેરે ઇતિહાસ રચ્યો જ્યારે અવકાશથી પરત ફરેલા શહેરના સુપરસ્ટાર શુભાંશુ શુક્લા પ્રથમવાર પોતાના વતન લખનૌ પહોંચ્યા. તેમના આગમનને લઈને એરપોર્ટથી ગોમતી નગર સુધી વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે વિશાળ ભીડ ઉમટી પડી હતી.
શહેરભરમાં વિવિધ ચોકડીઓ પર સ્વાગત દરવાજા બનાવવામાં આવ્યા હતા અને હોર્ડિંગ્સ તથા પોસ્ટરો સાથે સમગ્ર લખનૌ ઉત્સવી રંગમાં રંગાઈ ગયું હતું. શહેરના નાગરિકોએ પોતપોતાના સ્તરે શુભાંશુના સ્વાગત માટે તૈયારી કરી હતી. દુકાનદારો હોય કે સામાન્ય લોકો સૌએ આ દિવસને યાદગાર બનાવવા યોગદાન આપ્યું.
શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા CMS દ્વારા પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો ગીત અને નૃત્ય દ્વારા શુભાંશુનું સ્વાગત કર્યું. પરિવારે પોતાના ઘરને ઉત્સવની જેમ સજાવ્યો હતો પરંતુ સુરક્ષાના કડક નિયમોને કારણે શુભાંશુ સીધા ગેસ્ટ હાઉસમાં જ રોકાયા છે.
તેમના માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ અને ગર્વ બંને જોવા મળ્યા. તેઓએ કહ્યું કે “આજે અમારો પુત્ર માત્ર અમારો જ નથી પણ આખા રાષ્ટ્રનો પુત્ર બની ગયો છે.” પડોશી અને શેરીના લોકો પણ ગર્વથી છાતી તાણી ઊભા હતા. જાણે પોતાનો પુત્ર જ આકાશને સ્પર્શીને પાછો ફર્યો હોય.
વિજય પરેડ દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ લોકોને હરખોલ્લાસથી શુભાંશુનું સ્વાગત કરતા જોવા મળ્યા. બાળકો હાથમાં તિરંગા લઈને “ભારત માતા કી જય”ના નારા લગાવી રહ્યા હતા. લખનૌનું વાતાવરણ જાણે કોઈ રાષ્ટ્રીય તહેવાર બની ગયું હોય તેવું લાગતું હતું.
શહેરના લોકો માટે આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાઈ જશે. ખરેખર લખનૌએ પોતાના સુપરસ્ટારના સ્વાગતમાં જે એકતા અને આનંદ દર્શાવ્યો છે તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ બની ગઈ છે.