બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એવા ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવ્યા છે. જ્યાં પાકિસ્તાનથી આવેલી મહિલાઓએ નકલી દસ્તાવેજોની મદદથી ભારતીય નાગરિકતા મેળવી લીધી હતી. કેટલાકે તો મતદાન પણ કર્યું અને સરકારી નોકરી સુધી મેળવી લીધી. તપાસ એજન્સીઓ હવે આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.
ભાગલપુરનો ચોંકાવનાર કિસ્સો
બિહારમાં મતદાર યાદીના ખાસ સુધારા દરમિયાન ભાગલપુર જિલ્લામાં બે પાકિસ્તાની મહિલાઓના નામ બહાર આવ્યા છે. તેઓ પાંચ દાયકાથી અહીં રહેતી હતી. મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરાવીને તેઓ દરેક ચૂંટણીમાં મતદાન પણ કરતા હતા. તેમાંની એક ઇમરાના ખાનમ દસ્તાવેજોમાં ફેરફાર કરીને આધાર કાર્ડ બનાવી ચૂકી હતી અને પછી ભાગલપુરની ઉર્દૂ મધ્ય વિદ્યાલયમાં શિક્ષિકા પણ બની ગઈ હતી.
1958માં વિઝા પર ભારત આવેલી ઇમરાનાએ સ્થાનિક વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી પોતાની ઓળખ છુપાવી દીધી હતી. તેણે પોતાનું નામ બદલીને ઇમરાના ખાતૂન રાખ્યું અને ભારતની નાગરિક હોવાનો દાવો કર્યો હતો. પરંતુ રહસ્ય ખુલ્યા પછી તે ગાયબ થઈ ગઈ છે. પોલીસે તેના સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા પરંતુ તે હજુ સુધી મળી નથી. વહીવટીતંત્રે બીજી મહિલા ફિરદૌસિયા ખાનમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
બંગાળમાં ધરપકડ
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ફાતિમા બીબી નામની પાકિસ્તાની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તે 1980માં ટુરિસ્ટ વિઝા પર તેના પિતા સાથે ભારત આવી હતી. 1982માં તેણીએ ચંદનનગરના બેકરી માલિક સાથે લગ્ન કર્યા હતા. પરિવાર બન્યા પછી પણ તેણે પોતાની ઓળખ છુપાવી રાખી. તેના પતિએ દાવો કર્યો કે ફાતિમા પાસે આધાર પાન અને મતદાર ઓળખ કાર્ડ જેવા બધા દસ્તાવેજો છે. હાલમાં તે જેલમાં છે.
યુપીનો કેસ
પાકિસ્તાનમાં જન્મેલી શુમૈલા ખાનએ પોતાની માતાના રામપુર સ્થિત સરનામાનો ઉપયોગ કરીને નકલી દસ્તાવેજો બનાવ્યા. આ દસ્તાવેજોના આધાર પર તે સરકારી શાળામાં શિક્ષિકા પણ બની ગઈ હતી. પરંતુ 2015માં છેતરપિંડી બહાર આવતા તેની સામે કેસ નોંધાયો અને તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. હાલ તે ક્યાં છે તે જાણી શકાયું નથી.
નકલી દસ્તાવેજોનું નેટવર્ક
તાજેતરમાં ઉત્તર પ્રદેશ ATS એ પણ એક મોટા ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો માટે ખોટા પાસપોર્ટ, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો બનાવતું હતું. નવ રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાયેલું હતું અને દસથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ તમામ કિસ્સાઓ બતાવે છે કે કેવી રીતે ઘુસણખોરોએ નકલી દસ્તાવેજો બનાવીને માત્ર ભારતીય નાગરિકતા જ નથી મેળવી, પણ સરકારી નોકરી અને મતાધિકારનો પણ દુરુપયોગ કર્યો છે. હવે તપાસ એજન્સીઓ આવી ઘટનાઓને અટકાવવા કડક પગલાં ભરી રહી છે.