Vadodara

શહેરમાં પાણી-ડ્રેનેજ અને ઉદ્યોગોને ટ્રિટેડ વોટર માટે એક્શન પ્લાન તૈયાર કરાશે

વડોદરા કોર્પોરેશનની મુલાકાતે આવેલા IIT રૂરકીના ચાર સિનિયર પ્રોફેસરોની ટીમ

પાલિકાના ડેટાના આધારે છ માસ બાદ ટીમ પોતાની ભલામણો આપશે, શહેરને પાણી વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, પૂર નિયંત્રણ, પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચત માટે સ્પષ્ટ માર્ગદર્શિકા મળશે

વડોદરા શહેરની પાણી, ડ્રેનેજ, ફ્લડ, બાયોડાયવર્સિટી, એનર્જી એફિસિયન્સી અને ક્લાઈમેટ ચેન્જ જેવી અગત્યની સમસ્યાઓને ધ્યાને રાખીને IIT રૂરકીના ચાર સિનિયર પ્રોફેસરો વડોદરા મહાનગરપાલિકાની મુલાકાતે આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આમંત્રણ પરથી આ ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી છે. આ પ્રોફેસર ટીમ શહેરને કોઈપણ ચાર્જ લીધા વિના માર્ગદર્શન આપશે. આગામી ચારથી છ મહિનામાં તેઓ પાલિકા માટે એક ભવિષ્યનો એક્શન પ્લાન તૈયાર કરશે જેમાં શહેરની હાલની સમસ્યાઓનું સમાધાન અને આગામી સમયમાં કેવી રીતે આયોજન કરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. IIT રૂરકી દેશભરમાં અલગ અલગ શહેરોને આ પ્રકારની સલાહ આપે છે અને હવે વડોદરા પાલિકા પણ આ માર્ગદર્શનનો લાભ લેશે. ટીમે આજે આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર, દેણા વિસ્તાર સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. વધુમાં પાલિકાના અલગ અલગ પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી. રવિવારે પણ ટીમ શહેરની કેટલીક જગ્યાઓ પર મુલાકાત લેશે.

પાલિકાના વિવિધ વિભાગો દ્વારા આ ટીમને જરૂરી ડેટા અને માહિતી આપવામાં આવશે. આગળ જો વધુ માહિતીની જરૂર પડશે તો તે પણ તૈયાર કરીને આપવામાં આવશે. ખાસ કરીને પાણી પુરવઠો અને ટ્રિટમેન્ટ અંગે કંપનીઓ અને ફેક્ટરીઓને વધુમાં વધુ ટ્રીટેડ પાણી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવશે. આ મુલાકાતે રહેલી IIT રૂરકીની ટીમમાં પ્રો. અરુણ કુમાર, પ્રો. ભાનુ વેલંકી, પ્રો. જી. એલ. અસાવા અને પ્રો. આર.ડી. સિંહ સામેલ છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ ટીમને વડોદરા આમંત્રિત કરી હતી. આગામી કેટલાક મહિનાઓ બાદ જ્યારે આ પ્રોફેસર ટીમ પોતાની ભલામણો આપશે ત્યારે શહેરને પાણી વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, પૂર નિયંત્રણ, પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચત માટે એક સ્પષ્ટ માર્ગદર્શિકા મળી રહેશે તેવું પાલિકાનું માનવું છે.

Most Popular

To Top