રખડતાં કૂતરાંના મામલે આખરે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આખા દેશમાં લાગુ પાડ્યો. જોકે, સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના 11મી ઓગષ્ટના આદેશમાં ફેરફાર કરીને કૂતરાંઓના રસીકરણ-ખસીકરણ બાદ તેને જે તે જગ્યાએ છોડવાનો જૂનો આદેશ ચાલુ રાખ્યો છે પરંતુ સાથે સાથે સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે રખડતાં કૂતરાંઓને જાહેર સ્થળોએ ખવડાવી શકાશે નહીં. તેના માટે યોગ્ય જગ્યાએ ફિડિંગ સ્ટેશન બનાવવાના રહેશે અને જો રખડતાં કૂતરાંઓને પકડવાની કામગીરીમાં કોઈ દખલગીરી કરશે તો તેવી વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંઓના મામલે આપેલા આ ચુકાદાના દેશમાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. રખડતાં કૂતરાંઓનો જે ભોગ બન્યા છે તેમના દ્વારા આ ચુકાદા કરતાં જૂના ચુકાદાને સારો ગણાવવામાં આવ્યો છે. જ્યારે પશુપ્રેમીઓ દ્વારા આ ચુકાદાને આવકાર અપાયો છે. જોકે, સાથે સાથે પશુપ્રેમીઓ હવે જાહેરમાં રખડતાં કૂતરાંઓને ખવડાવી શકશે નહીં તે મુદ્દે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આખા દેશમાં હાલમાં રખડતાં કૂતરાંની સમસ્યા ગંભીર બની ગઈ છે. રોજબરોજ રખડતાં કૂતરાંઓની સંખ્યા વધી રહી છે. દિવસેને દિવસે રખડતાં કૂતરાંઓ આક્રમક પણ બની રહ્યા છે. તેમના આક્રમક બનવાના કારણો હશે પરંતુ આ આક્રમકતા બાળકોનો ભોગ લઈ રહી છે. રખડતાં કૂતરાં કરડવાની અનેક ઘટનાઓ બની રહી છે. જેમાં મોતનો આંકડો પણ મોટો છે. આ સંજોગોમાં રખડતાં કૂતરાંને જાહેરમાં ફરતાં રાખવા મોટું જોખમ છે.
સુપ્રીમ કોર્ટે આમ, તો જે રખડતાં કૂતરાં આક્રમક હોય કે પછી તેને હડકવા થયો હોય તેને જાહેરમાં નહી રાખવા માટે આદેશ કર્યો છે પરંતુ રખડતાં કૂતરાંઓ વચ્ચે ભેદ કરવો સ્થાનિક તંત્ર માટે મોટી સમસ્યા બની રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એક સારી બાબત એ છે કે જાહેરમાં રખડતાં કૂતરાંઓને ખવડાવી શકાશે નહીં. રખડતાં કૂતરાંઓને ખવડાવવાના મામલે લોકો વચ્ચે માથાકૂટ થવાના અનેક બનાવો બન્યા છે. સોસાયટીઓમાં આને કારણે ઝઘડાઓ પણ થયા છે. ઘણી વખત પશુપ્રેમીઓ દ્વારા જાહેરમાં ખવડાવવાના બહાને અન્ય રહીશોને ત્રાસ પણ કરવામાં આવતો હતો. જે હવે થઈ શકશે નહીં.
આ સાથે સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંઓને પકડવાની કામગીરી કરતાં તંત્રની સાથે માથાકૂટ કરતા પશુપ્રેમીઓને પણ ચેતવણી આપી છે. જો રખડતાં કૂતરાંઓને પકડવાની કામગીરીમાં દખલ કરવામાં આવશે તો આવી વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની સુપ્રીમ કોર્ટની જોગવાઈ ખરેખર સારી છે. જેને કારણે ખોટી રીતે હેરાનગતિ થતી અટકશે. રખડતાં કૂતરાંઓના મામલે ખરેખર ડોગલવરોએ પણ પરિસ્થિતિ સમજવાની જરૂરીયાત છે. ચાર-પાંચ કૂતરા નાનાં બાળકો પર હુમલો કરીને ખેંચતા હોય, ત્રણ-ચાર કૂતરા ભેગા થઈને મહિલાને બટકાં ભરતાં હોય, કોઈ કૂતરાં વાહન પાછળ દોડીને વાહન ચાલકને પછાડી દેતા હોય, એવા વીડિયો અનેકવાર વાયરલ થાય છે. રખડતા કૂતરાંઓનો ખૂબ જ ત્રાસ વધી જવા પામ્યો છે.
રખડતા કૂતરાંઓની તરફેણ કરવા માટે નીકળી પડતાં ડોગલવરએ એ આંકડાઓ પણ ધ્યાનમાં રાખવા જેવા છે કે , WHOના રિપોર્ટ મુજબ વિશ્વમાં દર વર્ષે 55 હજારથી વધુ લોકો હડકવાથી મૃત્યુ પામે છે. આમાંથી દર ત્રીજી વ્યક્તિ એટલે કે લગભગ 18થી 20 હજાર મૃત્યુ ભારતમાં થાય છે. ભારતમાં કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા અડધાથી વધુ લોકો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો છે.
સંસદમાં પણ અપાયેલી માહિતી પ્રમાણે 2024માં દેશભરમાં કૂતરા કરડવાના લગભગ 37 લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે 2023માં આવા 30 લાખ 52 હજાર કેસ નોંધાયા હતા. શહેરોમાં રખડતા કૂતરાઓની સંખ્યા ઝડપથી વધી છે. 2019ની ગણતરી મુજબ દેશમાં કૂતરાઓની વસતિ લગભગ 1.5 કરોડ હતી, હવે દેશમાં 5 કરોડ 25 લાખ શેરી કૂતરા છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હવે આ પરિસ્થિતિ બદલશે તેવી આશા જાગી છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા સુપ્રીમના આદેશ પ્રમાણે કડક કામગીરી કરવામાં આવશે તો જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો લેખે લાગશે તે નક્કી છે.