World

ટ્રમ્પના વિશ્વાસુ સર્જિયો ગોર ભારતના નવા યુએસ રાજદૂત, એલોન મસ્કે ક્યારેય ‘સાપ’ કહી સંબોધ્યા હતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના રાજકીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં આગામી યુનાઇટેડ સ્ટેટ્સ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ગોર હાલમાં વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોના નાજુક સમયે ટ્રમ્પ પોતાના વિશ્વાસુ સાથીને ભારત મોકલી રહ્યા છે.

શુક્રવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું કે 38 વર્ષીય ગોર તેમના સારા મિત્ર છે. જે ઘણા વર્ષોથી તેમની સાથે જોડાયેલા છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને આનંદ છે કે તેઓ ગોરને ભારતમાં રાજદૂત તરીકે પ્રમોટ કરી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું કે ગોર દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકે પણ સેવા આપશે.

ટ્રમ્પે ગોરની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગોર અને તેમની ટીમે “રેકોર્ડ સમયમાં” ફેડરલ વિભાગો અને એજન્સીઓમાં લગભગ 4,000 અધિકારીઓની નિમણૂક કરી છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ 95 ટકા પદો ભરાઈ ગયા છે.

ગોરની નિમણૂક પર ચર્ચા પણ ગરમાઈ છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક ગોરના કટ્ટર વિરોધીઓમાં ગણાય છે. નાસાના નેતૃત્વ માટે મસ્કની પસંદગી નિષ્ફળ બનાવ્યા બાદ મસ્કે ગોરને ‘સાપ’ તરીકે સંબોધ્યા હતા. આ ઘટના બાદ બંને વચ્ચેના મતભેદો જાહેરમાં આવ્યા હતા.

ગોરનો વિદેશ નીતિનો અનુભવ મર્યાદિત રહ્યો છે. તેમના પ્રભાવમાં વિદેશ પ્રવાસોમાં ભાગ લેવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કેટલાક કર્મચારીઓને હટાવવાનો સમાવેશ થાય છે. જેમની વિચારો ટ્રમ્પ પ્રશાસન માટે અનુકૂળ ન હતા.

ભારતમાં નવા રાજદૂત તરીકે ગોરની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલમાં અમેરિકા-ભારત સંબંધો વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વના છે. ખાસ કરીને વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે. ટ્રમ્પે પોતાના સૌથી વિશ્વાસુ સાથીઓમાંથી એકને આ જવાબદારી આપીને સંકેત આપ્યો છે કે ભારતને અમેરિકાની વૈશ્વિક નીતિમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Most Popular

To Top