ટેન્ડર વિના 19 વેન્ડિંગ મશીન ખરીદીમાં વિભાગના વિરોધાભાસી નિવેદનોથી ભ્રષ્ટાચારની શંકા
ટેન્ડર વિના જ વેન્ડિંગ મશીન ખરીદી લેતા ઇજારદાર એન્વીપયોરને સીધો ફાયદો
વડોદરા મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં 19 વેન્ડિંગ મશીન ખરીદવામાં આવ્યા છે. એક મશીનની કિંમત રૂ.49 હજાર રાખીને કુલ 9.31 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મશીનો ઇજારદાર એન્વીપ્યોર સોલ્યુશન કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવી ખરીદી ટેન્ડર પ્રક્રિયા દ્વારા થતી હોય છે, પરંતુ અહીં સીધી ખરીદી કરવામાં આવી હોવાથી સોલિડ વેસ્ટ વિભાગ પર સવાલો ઊભા થયા છે. વિભાગના એક અધિકારી સ્વપ્નિલ વ્યાસનું કહેવું છે કે તાત્કાલિક જરૂરિયાત હોવાથી ટેન્ડર કર્યા વગર મશીન ખરીદવા પડ્યા હતા. જ્યારે બીજી બાજુ એ જ વિભાગના અન્ય અધિકારી કશ્યપ શાહનું કહેવું છે કે આ મશીનો CSR ફંડ હેઠળ ખરીદાશે. એક જ મુદ્દે વિભાગના બે જુદા જુદા નિવેદન આવતા આ ખરીદીની પારદર્શકતા અંગે શંકા ઉભી થઈ છે. બંનેમાંથી કયું નિવેદન સાચું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.
આ ઉપરાંત બજારમાં આવા જ મશીનો 15 હજાર રૂપિયામાં સરળતાથી ઉપલબ્ધ છે. તેમ છતાં પાલિકાએ એક મશીન માટે 30 હજાર GST સહિત ચૂકવ્યા છે અને મેન્ટેન્સ માટે અલગથી 19 હજાર એટલે કુલ 49 હજારમાં મશીન બજાર ભાવ કરતાં ત્રણ ગણો વધારે ભાવે ખરીદી થવી સ્વાભાવિક રીતે જ શંકાસ્પદ ગણાય છે. તાત્કાલિક જરૂરિયાતનું કારણ બતાવી વિભાગે નિયમિત પ્રક્રિયાને અવગણીને મશીન ખરીદ્યા છે. હાલ વિભાગનો દાવો છે કે જો આગળ વધુ મશીન ખરીદવા પડશે તો ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખરીદી કરવામાં આવશે. પરંતુ પહેલેથી થયેલી ખરીદી પર પારદર્શકતા ન હોવાના કારણે ભ્રષ્ટાચારની સંભાવના સામે આવી રહી છે.
અધિકારીઓના નિર્ણયથી મશીન દીઠ 10 હજારનો વધારાનો ભાર
સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એવું કહેવાયું કે, એમ્વીપયોર કંપની પાસેથી મશીન 25 હજાર અને GST સહિત એટલે કે 30 હજારમાં ખરીદ્યા છે. આ મશીનના મેન્ટેનન્સ પાછળ વધુ 19 હજાર ચૂકવાશે એટલે એક મશીન પાછળ પાલિકા 49 હજાર ખર્ચ કરે છે. હવે આવા જ વેન્ડિંગ મશીન ઓનલાઈન અને ઓફલાઇન 15 હજારથી મળવાના શરૂ થાય છે. જેમાં GST ઉમેરીએ તો તેની કિંમત 20 હજાર થાય. મેન્ટેન્સ પણ અલગથી ઉમેરીએ તો તેની કિંમત 39 હજાર થાય. આમ એક મશીન દીઠ પાલિકા 10 હજારથી વધુ બચાવી શકાય. પરંતુ પોતાના માનીતા ઇજારદાર એન્વીપયોરને ફાયદો પહોંચાડવા સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ ટેન્ડર વિના જ મશીન ખરીદી લીધા.