Vadodara

પોર-બામણગામ વચ્ચે નેશનલ હાઈવે જામ, 108ને રોંગ સાઈડ જવાની ફરજ પડી

લાંબા સમયથી નેશનલ હાઈવે નં 48 પર ટ્રાફિક જામની સમસ્યા , સમસ્યા ઉકેલવામાં સાંસદ સહિતની નેતાગીરી નિષ્ફળ

વાહનોની લાંબી કતાર લાગી,વાહનચાલકો અટવાયા

( પ્રતિનિધી )વડોદરા,તા.23

વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઈવે અને સર્વિસ રોડ પર આજે પણ ટ્રાફિકજામ થવાની સમસ્યા યથાવત જોવા મળી છે. ત્યારે, પોર-બામણગામ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા હતા. જ્યારે, આ ટ્રાફિકમાં ઈમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેને સમયસર સ્થાને પહોંચવા માટે રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી.

વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર લાંબો ટ્રાફિક જામ થયો હતો. છાશવારે ઉદભવતી ટ્રાફિકજામની સમસ્યાથી અનેક વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં જ શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે હાઈવે પર પરિસ્થિતિનો તાગ મેળવી અવાર નવાર સર્જાતી ભારે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે, આ વિવિધ વિભાગો સાથે બોલાવયેલી બેઠકનું સુરસુરીયું થવા પામ્યું છે. સાંસદ પણ મોટી મોટી વાતો કરતા રહે છે પણ તેમનું કઈ ઉપજતું હોય એવું લાગતું નથી. આજે પણ હાઇવેના માર્ગોની દયનિય પરિસ્થિતિ છે. મોટા મોટા ખાડાઓને કારણે વાહનો ધીમા હાંકવા લોકો મજબુર બની રહ્યા છે. જેના કારણે અનેક વખત ટ્રાફિક જામ થતો હોય છે. ખાસ કરીને હાઈવેની આસપાસ રહેતા લોકો ખુબજ મુશ્કેલીમાં મૂકાયા છે. વહેલી સવારે નોકરી પર જતાં , કામ ધંધે જતા તેમજ શાળાએ બાળકોને મુકવા જતા લોકોને ઘણી હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને તો દર્દીને લેવા જવા તેમજ ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. તેવામાં શનિવારે સવારે પોર બામણગામ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. જેમાં એક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જેના કારણે તેને સમયસર તેના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી. બીજી તરફ ભારે ટ્રાફિક જામ થતા સંખ્યા બંધ વાહન ચાલકો અટવાયા હતા.

Most Popular

To Top