વારંવારના અકસ્માત છતાં રાત્રિ પેટ્રોલિંગની ઢીલી કામગીરી, નાગરિકોમાં અસંતોષ
વિડિયો વાયરલ થયા બાદ જ કાર્યવાહી, પહેલા જાગૃત રહે તો મૃત્યુનો ખેલ અટકે
વડોદરા શહેરમાં પોલીસની કામગીરી પર ફરી એકવાર આંગળી ઉઠતી દેખાઈ રહી છે. શહેરના અકોટા બ્રિજ પર મોડી રાત્રે એક સ્કોર્પિયો કાર ચાલક બેફામ ઝડપે વાહન દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડ્યો. આ બનાવે માત્ર કાર ચાલકનો જ નહીં, પરંતુ બ્રિજ પરથી પસાર થતા અન્ય લોકોના જીવને પણ ગંભીર જોખમમાં મૂકી દીધા હતા.
શહેરમાં અગાઉ પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં કાર ચાલક ડ્રાઈવરો દારૂના નશામાં ગાડી હંકારી અકસ્માતો સર્જે છે અને લોકોના જીવ ચોખામાં મૂકે છે. છતાંય પોલીસ તરફથી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ માત્ર ‘કાગળપુરતી’ રહે છે તેવી ટીકા થઈ રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવા સ્ટંટના વિડિયો વારંવાર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હોય છે. રસપ્રદ વાત એ છે કે આવા વિડિયો બહાર આવે ત્યાર બાદ જ પોલીસ હરકતમાં આવે છે અને કાર્યવાહી કરે છે. થોડાં દિવસ પહેલાં નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ત્રણ સ્કોર્પિયો ચાલકોએ ખુલ્લેઆમ સ્ટંટબાજી કરી હતી. તે બનાવનો વિડિયો વાયરલ થયા બાદ બીજા જ દિવસે પોલીસે વાહનચાલકોને ઝડપી કાર્યવાહી કરી હતી.
આવા બનાવો સામે આવતા શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉભા થાય છે. જો પોલીસ સમયસર સતર્ક રહી પેટ્રોલિંગ કરે તો આવા કિસ્સાઓ જડપી શકાય અને લોકોના જીવ પર આવતું જોખમ ઓછું થઈ શકે. જાહેર માર્ગોએ થતા સ્ટંટ માત્ર કાર ચાલકો માટે નહીં, પરંતુ આખા શહેરવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
શહેરના જાગૃત નાગરિકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે પોલીસ પોતાની કામગીરી પુરજોશમાં કરે તો જ આવા સ્ટંટબાજોને રોકી શકાય અને “મોતનો રમત” કહી શકાય તેવી આ હરકતો પર લગામ કસી શકાય.
વડોદરા પોલીસ માટે આ બનાવ ચેતવણીરૂપ છે. હવે જોવાનું રહે છે કે આવા બેફામ વાહનચાલકો વિરુદ્ધ આગળ પોલીસ તાત્કાલિક અને કડક પગલાં લે છે કે નહીં.