Vadodara

સ્મશાનમાં કોર્પોરેશન જ સેવા આપે તો ઇજારદારને પૈસા શા માટે ? સભામાં ઉઠ્યો સવાલ

વડોદરા મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં સ્મશાનના ખાનગીકરણનો મુદ્દો ગરમાયો હતો. આ મુદ્દો ભાજપની સંકલન બેઠકમાં પણ ચર્ચાયો હતો. મળતી માહિતી અનુસાર, સંકલન બેઠકમાં સત્તા પક્ષના જ કેટલાક સભ્યોએ ખાનગીકરણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે જો પાલિકાએ જ તમામ કામગીરી કરવાની હોય તો પછી ઇજારદારને ઇજારો આપવાનો મતલબ શું? ગઈકાલે જ 31 સ્મશાનો માટે જે તે વોર્ડના 31 જુનિયર ક્લાર્કને જવાબદારી સોંપવામાં આવી છે. આથી જુનિયર ક્લાર્કોમાં આંતરિક રોષ જોવા મળે છે. હવે સત્તા પક્ષના સભ્યોમાં પણ આ ઇજારા અંગે ફરી વિચારણા કરવાની ગણગણાટ શરૂ થયો છે. સામાન્ય સભામાં કોંગ્રેસ કાઉન્સિલર જહાં ભરવાડે કટાક્ષ કરતા જણાવ્યું કે 7 જુલાઈએ બધા સ્મશાનમાં હેલ્પલાઇન નંબરના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. 8 જુલાઈએ તેમણે નિઝામપુરા સ્મશાન બાબતે હેલ્પલાઇન પર ફરિયાદ કરી. ત્યારબાદ હસમુખભાઈ પટેલનો ફોન આવ્યો હતો. જહા ભરવાડે જણાવ્યું કે નિઝામપુરા સ્મશાનમાં પૂળાની વ્યવસ્થા નહોતી, જેના લીધે આસપાસના લોકો પાસેથી પૂળા મંગાવવા પડ્યા. આ બાબતે હસમુખભાઈએ તેમને 200 રૂપિયા ચૂકવવાની ઓફર કરી હતી. જહા ભરવાડે સવાલ કર્યો કે જો તમામ કામ કોર્પોરેશને જ કરવાનું હોય તો ઇજારદારની જવાબદારી શું? નિઝામપુરા સ્મશાનમાં પાણીની પણ યોગ્ય સુવિધા નથી.

કોંગ્રેસ કાઉન્સિલર હરીશ પટેલે કહ્યું કે, છાણી ગામમાં સ્મશાનના ખાનગીકરણનો ભારે વિરોધ થયો હતો. લોકોએ ગામ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં ગામજનોની કમિશનર અને ચેરમેન સાથે બેઠક પણ થઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આજે પણ લોકો લાકડા દાનરૂપે આપે છે. કોર્પોરેશન જુનિયર ક્લાર્ક અને લાકડા સહિતની સેવા પૂરી પાડી રહ્યું છે, તો પછી 31 સ્મશાનોનું સંચાલન પોતાની રીતે કેમ ન કરી શકાય? કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ પણ સવાલ કર્યો કે જો સ્મશાનમાં દરેક સેવા પાલિકા પૂરી પાડે છે, તો પછી ઇજારદારને પૈસા ચૂકવવાની શું જરૂર? સભામાં આ મુદ્દે તીખી ચર્ચા થઈ હતી.

સ્મશાન વ્યવસ્થા સમીક્ષવા કમિશનરની ટીમ સક્રિય

કમિશનર અરુણ મહેશ બાબુએ સભામાં કહ્યું, સ્મશાન માટે ટીમ બનાવવામાં આવી છે. ટીમે અલગ અલગ સ્મશાનની વિઝિટ શરૂ કરી છે. જે તે વોર્ડના જુનિયર કલાર્કને બે કલાક સ્મશાનનો રિવ્યૂ કરવા કહેવાયું છે. જે સંસ્થાઓ સાથે અગાઉ બેઠક કરી હતી તેમને પણ ફરી બોલાવીશું.

સરકારી કાર્યક્રમમાં રીલબાજી-ફોટોબાજીમાં સક્રિય મેયર પિંકી સોની સામાન્ય સભામાં ગેરહાજર

વડોદરા મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં મેયર પિંકી સોની ગેરહાજર રહ્યા હતા. શહેરના વિવિધ પ્રશ્નોને ઉઠાવવાનો મંચ હોવા છતાં મેયરની ગેરહાજરી ચર્ચાનો વિષય બની. નોંધનીય છે કે સરકારી કાર્યક્રમો, ફોટોબાજી અને રીલબાજીમાં હંમેશા સક્રિય દેખાતા મેયર પિંકી સોની આજે પ્રજાના પ્રશ્નોની બેઠકમાં હાજર ન રહ્યા, જેના કારણે સભામાં અને શહેરીજનોમાં ભારે ચર્ચાઓ થઈ હતી.

દેવેશ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીનું કોંગ્રેસે સ્વાગત કર્યું

કોંગ્રેસ કાઉન્સિલર જહાં ભરવાડે સામાન્ય સભામાં પોતાની રજૂઆત કરતા કહ્યું, દેવેશ પટેલે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. કોરોના સમયે પણ તેમને ભ્રષ્ટાચાર કર્યો છે. કબૂતરબાજીનો પણ તેમના પર કેસ ચાલે છે. આવા લોકોને કમિશનરે સસ્પેન્ડ કરી ખૂબ સારી કામ કર્યું છે. વડોદરાના નાગરિકોના વેરાના પૈસા બચાવવાની જવાબદારી આપણી છે. અગાઉ પૂર આવ્યું ત્યારે કરોડો ખર્ચી 25 બોટ ખરીદી હતી. તે ઉપયોગમાં જ ન લેવાઈ અને આખરે સડી ગઈ. અધિકારીઓની જવાબદારી બને છે આ બોટની સારસંભાળ રાખવાની.

Most Popular

To Top