રાત્રી દરમિયાન દારૂની મહેફિલો માણી ખાલી બોટલો ફેંકવામાં આવતી હોવાના આક્ષેપ
કોર્પોરેટરો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવા માંગણી

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતી ગોલવાડ વિસ્તારમાં આવેલા પાલિકા હસ્તકના બાગ બગીચામાં દારૂની ખાલી બોટલો , સીસીટીવીનો અભાવ તેમજ ગંદકી બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.


વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતી ગોલવાડમાં આવેલા પાલિકા હસ્તકના બગીચાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. બગીચામાં કચરાના ઢગ ખડકાયા છે તેમજ વિદેશી શરાબની ખાલી બોટલો અને દેશી દારૂની પોટલીઓ જોવા મળી હતી સાથે જ આ ગાર્ડનમાં મૂકવામાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ પણ દારૂની બોટલો પડેલી છે. સ્થાનિક સંજય વાઘેલાનું કહેવું છે કે રાત્રિ દરમિયાન દારૂની મહેફિલ કેટલાક સામાજિક તત્વો માણતા હોય છે. કોર્પોરેશન સ્વચ્છ વડોદરા અને સુંદર વડોદરાની વાત કરે છે. સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર રહેતો નથી. બાગમાં કોઈપણ સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા નથી. સ્થાનિક કોર્પોરેટરો અને કારેલીબાગ પોલીસ દ્વારા આ હદ વિસ્તારમાં વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તેમજ સિક્યુરિટી ગાર્ડને પગાર ચૂકવવામાં આવે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.