Vadodara

ગધેડા માર્કેટ પાસેની લેન્ડફિલ સાઈટ પર કચરાનો ઢગલો, રહીશો દુર્ગંધથી પરેશાન

તંત્ર હવે તાત્કાલિક ગંભીરતા દાખવશે નહીં તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે આ લેન્ડફિલ સાઈટ પર બેસીને આંદોલન કરવાની ચીમકી

લેન્ડફિલ સાઈટમાંથી ફેલાતી દુર્ગંધથી મહિલાઓ-બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ, તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે હપ્તા રાજના આરોપ પણ સ્થાનિકોએ લગાવ્યા

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર નજીક આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી લેન્ડફિલ સાઈટને લઈને આસપાસના રહીશો લાંબા સમયથી પરેશાન છે. દુર્ગંધ અને અસ્વચ્છતાની ગંભીર સમસ્યાને લઈને વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. આ વચ્ચે વિસ્તારના લોકો દ્વારા સ્થળની જાત મુલાકાત લેવાતા અનેક ચોંકાવનારી બેદરકારીઓ સામે આવી છે.
સ્થાનિક લોકોએ પોતાના નિરીક્ષણ દરમિયાન ખુલાસો કર્યો હતો કે કચરો ભેગો કરનારી નગરપાલિકાની ગાડીઓમાંથી રસ્તા પર જ કચરો ઢોળાઈ રહ્યો છે, જેના કારણે રોજ જતા આવતા લોકોને ભારે દુર્ગંધ અને અસ્વચ્છતાનો સામનો કરવો પડે છે. ડોર-ટુ-ડોર કલેક્શન માટે આપવામાં આવેલી કેટલીક ગાડીઓની હાલત પણ બરાબર ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી છે કે આ લેન્ડફિલ સાઈટ પર ગરીબ મજૂરો પાસે કચરું વીણાવાય છે અને તે માટે 100થી 200 રૂપિયાનો હપ્તો ઉઘરાવવામાં આવી રહ્યો છે. આ માત્ર ભ્રષ્ટાચાર જ નહીં પરંતુ માનવ અધિકારનો ભંગ પણ ગણાય છે.

લૅન્ડફિલ સાઈટની અનિયમિતતાઓ અને દુર્ગંધને કારણે આસપાસના રહીશો, ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચેપ જેવા રોગોના જોખમમાં વધારો થતો હોવાનો સ્થાનિક રહેવાસીઓનો દાવો છે.

સ્થાનિકોએ જણાવ્યું કે આ મુદ્દે તેમણે સીધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીઓએ જવાબદારી કોન્ટ્રાક્ટર પર ઢાળી પોતે બચવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ ચોક્કસ કાર્યવાહી હાથ ન લેવાતાં રહીશોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

સ્થાનિક રહેવાસીઓ એ તાત્કાલિક જવાબદાર આરોગ્ય અધિકારીઓની ઓચિંતુ મુલાકાત લઈને બેદરકારી દાખવનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર હવે પણ ગંભીરતા દાખવશે નહીં તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે આ લેન્ડફિલ સાઈટ પર બેસીને આંદોલન કરે તેવું પગલું ભરશે.

અન્ય રહીશોનું કહેવું છે કે વર્ષોથી ચાલતી આવી સમસ્યાને લઈને નગરપાલિકા માત્ર કાગળ પર કાર્યવાહી બતાવે છે. પરંતુ વાસ્તવિક સ્તરે સુધારણા કરવાનું બાકી જ છે. જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે.

Most Popular

To Top