Vadodara

પાલિકામાં અચાનક કોન્ટ્રાક્ટના કર્મચારીઓને છુટા કરતાં નારાજગીનું મોજું

60થી વધુ પરિવાર રોજગાર ગુમાવી બેરોજગાર બન્યાં, મ્યુનિસિપલ કમિશનર ન મળતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ

વડોદરા મહાનગરપાલિકાની કચેરીઓમાં અલ્ટ્રા મોડેલ એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક જ છુટા કરવામાં આવતા મોટી સંખ્યામાં પરિવારોએ રોજગાર ગુમાવ્યો છે. લગભગ 60 જેટલા કર્મચારીઓ અને તેમના પરિવારો પર બેરોજગારીનું લેબલ લાગી ગયું છે.
માહિતી પ્રમાણે, અલ્ટ્રા મોડલ એજન્સી (ગોધરા આધારિત) વડોદરા મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગમાં વિવિધ કચેરીઓમાં લગભગ 60થી પણ વધુ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર કામ કરાવતા હતા. તેમાં પટાવાળા થી લઈને અન્ય વહીવટી કામકાજ સંભાળતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. પરંતુ પહેલી તારીખથી જ મૌખિક સૂચના આપી તમામ લોકોને ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે.
કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યું કે અચાનક જ છુટા કરી દેવાતા પરિવાર ચલાવવામાં મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે. ભાડાના મકાનમાં રહેતા ઘણા કર્મચારીઓ ભાડું ચૂકવવામાં અસમર્થ થઈ રહ્યા છે. બાળકોની સ્કૂલ ફી, વીજળીના બિલ અને ઘરખર્ચ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલી અનુભવાઈ રહી છે. “અમે વર્ષોથી આ કચેરીઓમાં કામ કરી રહ્યાં હતાં. કોઈ લેખિત કારણ આપ્યા વિના અને પૂર્વ સુચના કર્યા વિના અચાનક છુટા કરી દેવાયા. હવે ઘરે રોજિંદા ખર્ચા પૂરા કરવા મોટો સવાલ ઊભો થયો છે.
આ અચાનક લેવાયેલા નિર્ણયને લઈને કર્મચારીઓ મોટી સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેઓની સ્પષ્ટ માંગ છે કે અચાનક બેરોજગાર બનાવાયેલા તમામ 60 કર્મચારીઓને કોઈપણ વિભાગ કે જગ્યા પર ફરીથી કોન્ટ્રાક્ટ આધારીત નિમણૂક આપવામાં આવે. જોકે, કમિશનર સાથે મુલાકાત ન મળતાં કર્મચારીઓએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ અધિકારીઓ સાથે નિકટથી કામગીરી કરતાં આવ્યા છે. “અચાનક હવે તમારે કાલથી આવવાની જરૂર નથી” એવો મૌખિક હુકમ આપવાનું કોઈ માનવતા ભર્યું પગલું નહીં ગણાય. આવા નિર્ણયો સીધા-સીધા 60 પરિવારોના ભવિષ્ય માટે અંધકારરૂપ છે,” તેમ કર્મચારીઓએ જણાવ્યું.
અચાનક કરાયેલા આ પગલાથી વડોદરાનાં 19 જેટલા વોર્ડોમાં પટાવાળાં સહિતના અનેક કર્મચારીઓ છુટા કરી દીધા છે. કર્મચારીઓએ આ મુદ્દે પાલિકાના ઉચ્ચ અધિકારીઓને ફરી રજૂઆત કરતા આકરા શબ્દોમાં માંગણી કરી હતી કે તેમને તાત્કાલિક રોજગાર આપવામાં આવે, જેથી પરિવારો ભવિષ્ય સામે લાચાર ન બને.

Most Popular

To Top