અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો થયો છે. ગતરોજ સ્કૂલમાં થયેલી તોડફોડ અને મારામારી અંગે ખોખરા પોલીસે 500થી વધુ લોકો સામે FIR દાખલ કરી છે. આ ફરિયાદ સ્કૂલની એડમિન મયુરિકા પટેલે નોંધાવી હતી.
બીજી તરફ વિદ્યાર્થીની હત્યા બાદ તા.20 ઓગસ્ટના રોજ આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આજે તા.21 ઓગસ્ટે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને આસપાસના વિસ્તારોની તમામ સ્કૂલો બંધ રાખવાનું એલાન કર્યું છે.
સ્કૂલે ટોળા સામે ફરિયાદ નોંધાવી
ગઈકાલે બુધવારે તા. 20 ઓગસ્ટના રોજ સ્કૂલના પરિસરમાં વિફરેલા વાલીઓના ટોળાએ તોડફોડ કરી હતી. આ મામલે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે. ફરિયાદ મુજબ ટોળાએ સ્કૂલમાં ઘૂસીને ઓફિસ, ક્લાસરૂમ, સ્કૂલ બસના કાચ, એલસીડી અને કોમ્પ્યુટરો સહિતનો સામાન તોડી નાખ્યો હતો. આ હુમલામાં અંદાજે 15 લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ટોળાએ સ્કૂલના સ્ટાફ સાથે મારામારી પણ કરી હતી. ખાસ વાત એ છે કે પોલીસની હાજરીમાં જ તોડફોડ કરવામાં આવી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી અને નુકસાન પહોંચાડવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
યુથ કોંગ્રેસના બંધના એલાનના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સેવેન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાને પગલે આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બંધનું એલાન આપ્યું છે. આ એલાનના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્કૂલની બહાર તેમજ 500 મીટર વિસ્તાર સુધી ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ સ્કૂલ બંધને એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલી દુકાનો ખુલ્લી છે. તો કેટલીક સવારથી જ બંધ કરી દીધી છે. ખાસ કરીને સિંધિ માર્કેટ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યો છે. મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં આવેલી 200 જેટલી સ્કૂલો પણ આ બંધમાં જોડાઈ છે.

બે આરોપી વિદ્યાર્થીની અટકાયત
હત્યા મામલે પોલીસે બે આરોપી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા છે. એક મુખ્ય આરોપી વિદ્યાર્થીએ હત્યા કરી હતી જ્યારે બીજા વિદ્યાર્થીની શંકાસ્પદ ભૂમિકાને લઇ તેને પણ અટકાયત કરાઈ છે.
પીડિતના પરિવારના ગંભીર આક્ષેપ
આ દરમિયાન મૃતક વિદ્યાર્થીના પરિવારે સ્કૂલ પર ગંભીર આક્ષેપ કર્યા છે કે બાળકને ઈજા થવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પાણીનું ટેન્કર બોલાવી લોહીના ડાઘા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે આ રીતે પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે. આ મામલે હાલ તપાસ ચાલુ છે અને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યું છે.