અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૫૦% સુધીના ટેરિફનો બોજ લાદ્યા બાદ પણ ભારતે વ્હાઇટ હાઉસ સામે હાર માનેલી નથી. આ પડકારજનક પરિસ્થિતિમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે મહત્વપૂર્ણ નિવેદન આપતાં રશિયા સાથેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.
જયશંકરે રશિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તેમને સુવર્ણ તકો આપી શકે છે. તેમણે ખાસ કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી પહેલોને ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ પ્રકારની યોજનાઓ વિદેશી ઉદ્યોગપતિઓ માટે નવા દરવાજા ખોલી રહી છે.
રશિયન કંપનીઓ માટે તક
વિદેશ મંત્રીએ ભાર મૂક્યો કે ભારત 4 ટ્રિલિયન ડોલરથી વધુના GDP સાથે વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થામાંનું એક છે. “ભારતને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી સંસાધનોની જરૂર છે. ખાતર, રસાયણો અને મશીનરી જેવા ક્ષેત્રોમાં રશિયન કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે,” એમ જયશંકરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારતનું આધુનિકીકરણ અને શહેરીકરણ વપરાશ અને જીવનશૈલીમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે. જે નવી માંગ ઊભી કરી રહ્યું છે.
ભારત-રશિયા વચ્ચે મિત્રતા અને વેપાર
જયશંકરે ભારત અને રશિયાના મિત્રતાને વિશ્વના સૌથી સ્થિર સંબંધોમાંનું એક ગણાવી પ્રશંસા કરી છે. તેમ છતાં તેમણે આર્થિક સહકારની મર્યાદાઓ પર પણ પ્રકાશ પાડ્યો. “અમારો વેપાર મર્યાદિત છે અને તાજેતરમાં ખૂબ ઓછા સ્તરે હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ વેપાર ખાધમાં પણ વધારો થયો છે”.
વિદેશ મંત્રીએ કહ્યું કે હવે ભારત અને રશિયાએ વેપારને વૈવિધ્યીકરણ અને સંતુલિત કરવા માટે વધુ દ્રઢ પ્રયાસો કરવાની જરૂર છે. માત્ર વેપાર લક્ષ્યો વધારવા જ નહીં પરંતુ હાલનું સ્તર જાળવવા માટે પણ સંકલિત વ્યૂહરચના જરૂરી છે.
ટ્રમ્પના ટેરિફ વોરનો જવાબ
અમેરિકાના ટેરિફ વોરથી ઉભી થતી પડકારજનક પરિસ્થિતિ સામે જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત વિકલ્પો શોધવામાં અને નવી ભાગીદારી વિકસાવવામાં સમર્થ છે. રશિયન કંપનીઓને આમંત્રણ આપીને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના આર્થિક હિતોને મજબૂત કરવા માટે વૈવિધ્યસભર રસ્તાઓ અપનાવશે.
આ રીતે ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે જયશંકરે માસ્ટરસ્ટ્રોક રમતાં ભારત અને રશિયાના આર્થિક સહકારને નવા સ્તરે લઈ જવાનો માર્ગ દર્શાવ્યો છે.