Vadodara

હદવિસ્તાર બહાર જઈ ફાયર અધિકારીના આદેશે ફાયર કર્મીઓએ તપાસ કરી

મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ તપાસમાં ફાયરના અધિકારી-કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ

બોગસ ફાયર એનઓસી કેસમાં બે મહિનાથી વધુ સમય વીત્યા બાદ પણ આરોપી આઝાદ

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાંથી બોગસ ફાયર એનઓસી મળ્યાને હવે બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હરણી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા બંને તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી થઈ નથી. પોલીસને હજુ સુધી આ નકલી એનઓસી કોણે બનાવી તેની માહિતી મળી નથી. ફાયર વિભાગે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ હજુ આવ્યું નથી. હરણી પોલીસે કોમ્પ્લેક્ષના માલિક મુકેશ પટેલ, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, નિકુંજ આઝાદ, પાર્થ બ્રહ્મભટ્ટ સહિત કેટલાક ફાયર અધિકારીઓ અને વેન્ડરોના નિવેદન નોંધ્યા હતા. ત્યાર બાદ તપાસ આગળ વધી નથી. માહિતી અનુસાર આ કેસમાં ફાયર વિભાગના કેટલાક અધિકારીઓના નામો પણ ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા પણ અર્શ પ્લાઝામાં બોગસ ફાયર એનઓસીનો મામલો સામે આવ્યો હતો. બંને કિસ્સામાં ખોડિયારનગરના રહેવાસી જયેશ મકવાણાનું નામ ઉઠ્યું હતું. જયેશ મકવાણા ફાયર સેફ્ટી સાધનોનું કામ કરતો હતો.

મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં ઘટનાક્રમ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કેટલાક ફાયર કર્મચારીઓ દેખાયા હતા. ખાસ વાત એ હતી કે કેટલાક ફાયરના કર્મચારીઓનો તે વિસ્તારમાં કોઈ સંબંધ ન હોવા છતાં તેઓ તપાસ માટે ગયા હતા. વધુમાં, જે અધિકારીનો હરણી વિસ્તારમાં કોઈ લેવાદેવા નહોતો તેમણે પણ ફાયર કર્મીઓને તપાસ કરવા કહ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. તપાસની ગતિ ખૂબ ધીમી હોવાથી હજુ સુધી પુરાવા બહાર આવ્યા નથી અને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પરિણામે બોગસ ફાયર એનઓસીનો આરોપી આઝાદ ફરી રહ્યો છે.


પુરાવા ચકાસ્યા વિના ફાયર વિભાગે 120 દિવસમાં 300થી વધુ એનઓસી આપી

ફાયર વિભાગમાં નવેમ્બર 2024થી ફેન્રુઆરી 2025 સુધીમાં જ 300 થી વધુ ફાયર એનઓસી ઇસ્યૂ થઈ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલે કે 120 દિવસમાં જ 300 થી વધુ ફાયર એનઓસી ઇસ્યૂ કરી દેવામાં આવી. વધુમાં આ ફાયર એનઓસી આપવામાં પણ ગેરરીતિ થઈ છે. પૂરતા આધાર પુરાવા ચેક કર્યા વિના જ ફાયર એનોસી આપી દેવામાં આવી હતી.

Most Popular

To Top