Vadodara

ગાજરાવાડી STP ઓપરેશન-મેઈન્ટેનન્સ માટે 1.82 કરોડની દરખાસ્ત

55MLD STP અને મેઈન પંપીંગ સ્ટેશનના 2 વર્ષના ઓપરેશન-મેંટેનન્સ માટે મંજૂરી અપાશે

બે વર્ષના ઈજારાના સમયગાળા દરમિયાન મિનિમમ વેજીસ એક્ટ મુજબ વેતનદરમાં ફેરફાર થાય તો અલગ ચૂકવણું કરાશે

વડોદરા મહાનગર પાલિકા ઇલે. મીકે. સુવેઝ ડી. વર્કસ શાખા દ્વારા ગાજરાવાડી 55MLD સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા મેઈન પંપીંગ સ્ટેશનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે આગામી બે વર્ષનો ઈજારો કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે. હાલમાં આ પ્લાન્ટ અને મેઈન પંપીંગ સ્ટેશનના કામે 5 મહિનાનો ઈજારો આપવામાં આવ્યો હતો, જેને 3 મહિના એક્સ્ટેન્શન સાથે 23 સપ્ટેમ્બર 2025એ પૂર્ણ થવાનો છે. પ્લાન્ટ સતત કાર્યરત રહે તે માટે સ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત હોય છે, જ્યારે પાલિકા પાસે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નથી. તેથી આ કામગીરી ઈજારા દ્વારા કરવી જરૂરી બની છે. આ કામ માટે અંદાજીત રકમ રૂ. 1.70 કરોડ નક્કી કરી 16 જૂન 2025ના રોજ જાહેરનામું આપી ઇ-ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. કુલ બે ઈજારદાર ક્વોલિફાય થયા હતા. જેમાં મે. પૂજા કન્સ્ટ્રક્શન કું., રાજકોટનું ભાવપત્ર રૂ. 1.84 કરોડ જે મૂળ અંદાજ કરતાં 8.28% વધુ છે. જ્યારે મે. રાજકમલ બિલ્ડર્સ ઈન્કા પ્રા.લી.નું ભાવપત્ર રૂ. 1.90 કરોડ હતું જે અંદાજ કરતાં 12.09% વધુ હતું.

ટેન્ડર પ્રક્રિયા બાદ લોએસ્ટ ઈજારદાર તરીકે મે. પૂજા કન્સ્ટ્રક્શન કું., રાજકોટની પસંદગી કરવામાં આવી છે. ભાવઘટાડા પછી તેનું ભાવપત્ર રૂ. 1.82 કરોડ રહ્યું છે, જે ખાતાના મૂળ અંદાજ કરતાં 7% વધુ છે. આ રકમ વ્યાજબી ગણાતા સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. હાલના નિયમ મુજબ આ કામ પર GST લાગુ પડતો નથી, પરંતુ આગામી સમયમાં સરકાર દ્વારા લાગુ પડે તો તેનુ અલગથી ચુકવણું પણ કરવામાં આવશે. તેમજ બે વર્ષના ઈજારાના સમયગાળા દરમિયાન મિનિમમ વેજીસ એક્ટ મુજબ વેતનદરમાં ફેરફાર થાય તો તે મુજબ ચૂકવણું કરવામાં આવશે. આ ખર્ચ ગાજરાવાડી STP ની નિભાવણીના બજેટ હેડમાંથી કરવામાં આવશે.

Most Popular

To Top