ડાંગ જિલ્લાના સાપુતારામાં મંગળવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતથી આવેલા પરિવારની અર્ટિંગા કાર સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચાનક કાબૂ બહાર થઈ ગઈ હતી. જેથી કાર રિવર્સ થવા લાગી અને રસ્તા પરની સાઇડ રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ઘટના જોતા સ્થાનિકોમાં હલચલ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતીભાઈ ખીલોટીયા પોતાના પરિવાર સાથે ફરવા માટે સાપુતારા આવ્યા હતા. તેઓ GJ05-JE-7834 નંબરની અર્ટિંગા કારમાં પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ તરફ જઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન તેમની કાર પર અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાર આગળ વધી રહી ન હતી અને ચડતા ઢાળ પરથી રિવર્સ થઈને ખસકવા લાગી હતી. ડ્રાઈવરે કાબૂ રાખવાનો પ્રયત્ન કર્યો છતાં કાર ધીમે ધીમે પાછળ ખસકતી ગઈ અને અંતે રોડની બાજુમાં લગાવેલી રેલિંગ તોડી સીધી જ ખીણમાં ખાબકી ગઈ હતી.
પરિવારનો ચમત્કારિક બચાવ
આ દુર્ઘટનામાં ચમત્કાર એ રહ્યું કે કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા. અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે કારને ભારે નુકસાન થયું હતું. સ્થાનિકો અને પ્રવાસીઓએ આ ઘટનાને નજીકથી જોઈ હતી અને દરેકને આશ્ચર્ય થયું કે કાર ખીણમાં ખાબક્યા પછી પણ પરિવારના બધાજ લોકો બચી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પી.એસ.આઈ. પી.ડી. ગોંડલીયા અને તેમની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રેનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાને કારણે અંધકારમાં કામગીરી મુશ્કેલ બની હતી. પરંતુ પોલીસે આસ્કા લાઇટ લગાવીને કામગીરીને સરળ બનાવી હતી.