Vadodara

હાથીખાના વિસ્તારમાં પાણી-ડ્રેનેજ લાઈન માટે ખોદેલા ખાડા હજુ સુધી પુરાયા નથી

ગંદકી,દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ, વેપારીઓના ધંધા પર અસર

કાઉન્સિલરોની નિષ્ક્રિયતાથી વિસ્તારની હાલત વિકટ

વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 7, ફતેપુરા હાથીખાના વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પાણીની લાઈન અને ડ્રેનેજના કામ માટે પાલિકા દ્વારા કરાયેલા ખોદકામનું હજુ સુધી પુરાણ ન થવાથી સ્થાનિકો તેમજ વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ જણાવે છે કે, પાલિકાના અધિકારીઓ પાણી તથા ડ્રેનેજ માટે રસ્તામાં ખાડા ખોદી ગયા પરંતુ કામ પૂર્ણ કર્યા વિના જ જતાં રહ્યા. તેના કારણે રસ્તાઓ પર ગંદકી વ્યાપી ગઈ છે અને પડેલા ખાડા કારણે વાહનવ્યવહાર તથા આવરજવરમાં મોટો ખલેલ ઉભો થયો છે. આ ખાડાનું પુરાણ કરવા અમે જાતે છારુ લાવી જેમ તેમ પુરાણ કર્યું છે.

આ વિસ્તારમાં નજીકમાં મસ્જિદ, નાના બાળકોની શાળા અને સરકારી અનાજના ગોડાઉન પણ આવેલાં છે. તેમ છતાં અધિકારીઓ કામ પૂર્ણ કરતા નથી. ગંદકીના કારણે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ખતરો ઉભો થયો છે. સ્કૂલે જતા બાળકો રસ્તામાં ઘણી વખત લપસી પડતા હોય છે, વાહનો ખાડામાં ફસાઈ જતા હોય છે અને આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા દિવસથી ભરાયેલા પાણી અને ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે.

રહેવાસીઓએ જણાવ્યું કે, “છેલ્લા 20 દિવસમાં અનેક વખત પાલિકાને લેખિત તેમજ રૂબરૂમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર આવતો જોવા મળ્યો નથી. સ્થાનિક કાઉન્સિલરો પણ સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. જેના કારણે વિસ્તારની હાલત અત્યંત નાજુક બની રહી છે.”
વેપારીઓનું કહેવું છે કે ગંદકી અને રસ્તાની હાલત ખરાબ હોઈ લોકો ખરીદી કરવા આવતાં અટકતા હોવાથી ધંધા પર પણ મોટો પ્રભાવ પડી રહ્યો છે.

સ્થાનિકો અને વેપારીઓએ પાલિકા પાસે તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરી ગંદકી દૂર કરવાની તથા વિસ્તારને સ્વચ્છ કરવા માંગણી કરી છે જેથી જનજીવન ફરી સુચારૂ બને.

Most Popular

To Top