National

ભારતીય વાયુસેનાને મળશે 97 નવા તેજસ માર્ક 1A ફાઇટર જેટ, 62 હજાર કરોડનો સોદો મંજૂર

ભારતીય વાયુસેનાની તાકાતને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 97 LCA તેજસ માર્ક 1A ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદાની કુલ કિંમત અંદાજે 62,000 કરોડ રૂપિયા હશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો સોદો ગણાય છે. આ પહેલાં HAL ને 83 LCA માર્ક-1A એરક્રાફ્ટ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો.

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે તા.30 નવેમ્બર 2023ના રોજ આ પ્રોજેક્ટ માટે ‘એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી’ (AoN) આપી હતી. ત્યારબાદ એપ્રિલ 2024માં સંરક્ષણ મંત્રાલયે આ ખરીદી માટે પ્રસ્તાવ માંગતા દસ્તાવેજો (RFP) જાહેર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિમાનોની સપ્લાય નાણાકીય વર્ષ 2026-27થી શરૂ થશે અને તબક્કાવાર રીતે 4 થી 5 વર્ષમાં પૂર્ણ થશે.

HAL માટે બીજો મોટો ઓર્ડર
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને મળેલો આ બીજો મોટો ઓર્ડર છે. અગાઉ HALને 83 વિમાનોના ઉત્પાદનની જવાબદારી આપવામાં આવી હતી. હવે 97 નવા ઓર્ડર સાથે કુલ સંખ્યા 180થી વધુ થઈ જશે. આ નિર્ણય ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રન શક્તિને વધારશે.

તેજસ માર્ક 1A: સ્વદેશી ટેકનોલોજીનો ગૌરવ
તેજસ માર્ક 1A એક લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. જે સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી પર આધારિત છે. આ વિમાન ‘આત્મનિર્ભર ભારત’ અને સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણના અભિયાન માટે મોટું યોગદાન માનવામાં આવે છે. HAL દ્વારા બનાવવામાં આવેલ આ ફાઇટર જેટ સિંગલ એન્જિન આધારિત છે.

એડવાન્સ્ડ વર્ઝન સાથે નવી ક્ષમતાઓ
તેજસનું માર્ક 1A વર્ઝન અગાઉના મોડલની સરખામણીમાં વધુ અદ્યતન છે. તેમાં અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ્સ, આધુનિક રડાર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સુવિધાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 60 ટકા કરતાં વધુ સાધનો ભારતમાં જ બનાવવામાં આવ્યા છે.

ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો થશે
આ નવા સોદાથી ભારતની વાયુસેનાની ફાયરપાવરમાં નોંધપાત્ર વધારો થશે. તેજસના નવા સ્ક્વોડ્રન જોડાવાથી ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો સામે પોતાની હવાઈ શક્તિને વધુ મજબૂત રીતે પ્રદર્શિત કરી શકશે.

Most Popular

To Top