અર્શ પ્લાઝા અને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની બોગસ ફાયર એનઓસી કેસમાં તંત્ર નિષ્ક્રિય
કોમ્પ્લેક્ષના માલિક મુકેશ પટેલ, તત્કાલીન CFO મનોજ પાટીલ, નિકુંજ આઝાદ, પાર્થ બ્રહ્મભટ્ટ તેમજ કેટલાક ફાયર ઓફિસરો અને વેન્ડરોના નિવેદન નોંધાયા બાદ તપાસ આગળ વધી નથી
વડોદરામાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાંથી મળી આવેલી બોગસ ફાયર એનઓસી મામલે બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં હરણી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા બંને તરફથી કોઈ ચોક્કસ કાર્યવાહી થઈ નથી. પોલીસને હજુ સુધી આ નકલી એનઓસી કોણે બનાવી તેની માહિતી મળી નથી અને પાલિકાએ પણ આંતરિક તપાસ શરૂ કરી નથી. હરણી પોલીસે થોડા સમય પહેલા આ મામલે તપાસ શરૂ કરી હતી. કોમ્પ્લેક્ષના માલિક મુકેશ પટેલ, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, નિકુંજ આઝાદ, પાર્થ બ્રહ્મભટ્ટ તેમજ કેટલાક ફાયર ઓફિસરો અને વેન્ડરોના નિવેદન નોંધાયા હતા. પરંતુ તે પછી તપાસ આગળ વધી નથી. આ પ્રકરણમાં ફાયર વિભાગના કેટલાક અધિકારીઓના નામ સામેલ હોવાની ચર્ચાઓ થઈ હતી. આ પહેલા પણ અર્શ પ્લાઝાની નકલી ફાયર એનઓસી મામલો પણ સામે આવ્યો હતો. બંને કિસ્સાઓમાં ખોડિયારનગરના રહેવાસી જયેશ મકવાણાનું નામ સામે આવ્યું છે. જયેશ મકવાણા ફાયર સેફ્ટી સાધનોનું કામ કરતો હતો. મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ કેસમાં 26 ડિસેમ્બર 2024ના રોજ માલિક મુકેશ પટેલે 40 હજારનો ડ્રાફ્ટ કોર્પોરેશનના નામે બનાવ્યો હતો. આ બાબત માટે જયેશ મકવાણાએ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ તે ગાયબ થઈ ગયો.
પછી મુકેશ પટેલે નવા વેન્ડર દ્વારા 30 એપ્રિલ 2025ના રોજ ઑનલાઇન ટેમ્પરરી ફાયર એનઓસી માટે અરજી કરી હતી, જેને ફાયર વિભાગે નામંજૂર કરી દીધી હતી. આ દરમિયાન સપ્તાહ પહેલા ચાર અજાણ્યા લોકો કોમ્પ્લેક્ષમાં ફરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બે ફાયર અધિકારી, જેમાંથી એક યુનિફોર્મમાં અને એક સિવિલ ડ્રેસમાં હતા, કોમ્પ્લેક્ષે આવી પહોંચ્યા અને નકલી ફાયર એનઓસી બતાવી જણાવ્યું કે આ દસ્તાવેજ નકલી છે. હવે બંને કિસ્સાઓમાં જયેશ મકવાણાનું નામ આવવા છતાં હરણી પોલીસ તેને શોધવામાં નિષ્ફળ ગઈ છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે બોગસ ફાયર એનઓસી મુદ્દો અધૂરો જ રહ્યો છે.
બોક્સ
હોસ્પિટલો-શાળાઓનું ચેકીંગ, હોટલ-જીમ કેમ છોડાયા?
ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં હોસ્પિટલો અને શાળાઓના ચેકીંગનું નાટક કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગ દ્વારા 200 હોસ્પિટલનું ચેકીંગ કરવામાં આવ્યું જ્યારે 199 પૈકી માત્ર 95 શાળાઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ફાયર વિભાગ દ્વારા મ્યુનિ. કમિશ્નરના આદેશ બાદ માટે દેખાડા પૂરતું આ ચેકીંગ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ફાયર NOC સહિતની કામગીર ઓનલાઇન થતી હોવા છતાં આવા દેખાડા કરવામાં આવ્યા. અનેક હોટલ, જીમ સહિતના સેન્ટરો છે જ્યાં ફાયર સેફ્ટી મામલે ધાંધિયા છે. પરંતુ ફાયર વિભાગ ત્યાં ચેકીંગ ન કરી તેમને છાવરતી હોવાની ચર્ચા તેજ છે.