Vadodara

ગણેશ વિસર્જન પૂર્વે તળાવોમાં સફાઈ સાથે બેરીકેટિંગ અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની સૂચના

કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં શહેરમાં સ્વછતા, સુવિધા અને સંરક્ષણ પર ભાર

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આજે શહેરના વિવિધ વિભાગોની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં લાઈબ્રેરી અને સ્વીમીંગ પુલને પ્રજાને ઉપયોગી બનાવવા, બગીચામાં સ્વચ્છતા જાળવી ડસ્ટબીન મુકવા, ગંદકી ફેલાવનાર સામે દંડની કાર્યવાહી કરવા તેમજ ગાર્ડનમાં ટ્રીટેડ વોટરનો વધુ ઉપયોગ કરવા સૂચનો કરવામાં આવ્યા. સાથે સાથે શહેરના બ્રિજોની નીચે-આસપાસ સફાઈ અને રંગરોગાન, સ્મશાનગૃહોની સુવિધાઓ ઝડપી પૂર્ણ કરવા, જાહેર શૌચાલય વધારવા અને ઐતિહાસિક ઈમારતોના સંરક્ષણ માટે કાર્યક્રમો હાથ ધરવા પર ભાર મૂકાયો. આગામી ગણેશ વિસર્જન પૂર્વે તળાવોમાં સફાઈ, બેરીકેટિંગ અને સુરક્ષા વ્યવસ્થા પૂરતી કરવાની સૂચના પણ આપવામાં આવી. શહેરના રસ્તાઓ પર હોટમિક્સનો વધુ ઉપયોગ કરી પેચવર્ક અને કાર્પેટિંગ કરવા પણ આદેશ અપાયો.

કમિશનરે દરેક વોર્ડમાં ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરી વધુ દંડ વસૂલવા, સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે રેડ કરવા તથા કાગળ-કાપડની થેલીને પ્રોત્સાહન આપવા જણાવ્યું. સફાઈ મિત્રો અને સુપરવાઇઝર સહિતના કર્મચારીઓને ફિલ્ડમાં ફરજ દરમિયાન યુનિફોર્મ ફરજિયાત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો. બેઠક બાદ બિલ્ડિંગ પ્રોજેક્ટ, ઝૂ વિભાગ અને પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ તરફથી કમિશનરને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. પરંતુ, આ બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીને બોલાવાયા ન હતા. અગાઉ તત્કાલીન કમિશનર દિલીપ રાણા સમયમાં તેઓ દરેક બેઠકમાં હાજર રહેતા. હાલ તેમને સાઈડલાઇન કરી દેવાયા હોવાની ચર્ચા શહેરના રાજકીય વર્તુળોમાં તેજ બની છે.

Most Popular

To Top