નાટકથી મજૂરોને સલામતીને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવવાનો દૃઢ સંદેશ
કુલ 40 બાંધકામ સ્થળો 29 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં કોરિડોર સાથે આવરી લેવાયા છે


( પ્રતિનિધી )વડોદરા,તા.19
બાંધકામ સ્થળોએ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા અને તેની મહત્વતાને પુનઃરેખાંકિત કરવા માટે પરસ્પર ક્રિયાત્મક નૂકડ નાટકની શ્રેણીનો પ્રારંભ 18 ઓગસ્ટથી અમદાવાદ બુલેટ ટ્રેન બાંધકામ સ્થળેથી થયો હતો. કુલ 40 બાંધકામ સ્થળો 29 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં કોરિડોર સાથે આવરી લેવાયા છે.
નૂકડ નાટકોમાં સલામતી સંબંધિત મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે, જેમ કે ઊંચાઈ પર કામ કરવું, ભારે મશીનરીની અંદર અને આસપાસ કામ કરવું, રસ્તા અને રેલ્વે નજીક કામ કરવું, તેમજ કામ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો. આ નાટકો મજૂરોને હંમેશા સલામતીને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવવાનો દૃઢ સંદેશ આપે છે. બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળોએ કામદારો દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતા હોવાથી અને અલગ-અલગ ભાષા તથા બોલીઓ બોલતા હોવાથી, અસરકારક સંદેશાવ્યવહાર સુનિશ્ચિત કરવા માટે આ નાટકો સરળ, સ્પષ્ટ અને સહજ રીતે સમજાય તેવી ભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અભિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં બાંધકામ હેઠળનાં અનેક બુલેટ ટ્રેન સ્ટેશનો, કાસ્ટિંગ યાર્ડ, ટનલ બાંધકામ સ્થળો, ડેપો, પુલો અને વાયડક્ટને આવરી લેશે. અગાઉ, એનએચએસઆરસીએલ દ્વારા 100 નૂકડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધુ બાંધકામ મજૂરોએ ભાગ લીધો હતો. એનએચએસઆરસીએલ બુલેટ ટ્રેનના તમામ બાંધકામ સ્થળોને દરેક માટે સલામત કાર્યસ્થળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ નૂકકડ નાટકોએ દિશામાં આગળ ભરાયેલું વધુ એક પગલું છે.