Vadodara

અટલાદરા -પાદરા રોડ પર ખુલ્લામાં લોક માર્યા વિનાની પાર્ક કરેલી મીની બસની ચોરી

આશરે રૂ.7 લાખની કિંમતની આઇશર કંપનીની ટ્રાવેલ્સની 33 સીટર મીની બસની ચોરી અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

(પ્રતિનિધિ) વડોદરા તા.19

ગત તા.15-08-2025 ના રોજ અટલાદરા -પાદરા રોડ ખાતે ખુલ્લામાં પાર્ક કરેલી લોક માર્યા વિનાની શંકરદાદા ટ્રાવેલ્સની આઇશર કંપનીની 33 સીટર મીની બસ કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની પોલીસ ફરિયાદ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે કરાતાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના પાદરા ખાતે રહેતા રમેશભાઇ શનાભાઇ બારીયા પોતાના પરિવાર સાથે રહે છે અને શંકરદાદા ટ્રાવેલ્સની આઇશર કંપનીની 33 સીટર મીની બસ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એ ઝેડ-1933 જે બસ ટ્રાવેલ્સ માલિક જયેશભાઇ જશભાઈ પટેલના નામે ખરીદેલી હતી, તેમાં છેલ્લા પાંચ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ બસ અકોટાથી પાદરાના હરણામા ગામ સ્થિત દિનેશ રીમાઇન્ડ લિમિટેડ કંપનીમાં કર્મચારીઓ ની અવરજવર માટે મૂકવામાં આવી હતી. ગત તા.14 મી ઓગસ્ટના રોજ સાંજે સાડા છ વાગ્યે સયાજીગંજથી વરધી વડસર બ્રિજ પાસે ઉતારી ડ્રાઇવર રમેશભાઇએ નિત્યક્રમ મુજબ રાત્રે 9 કલાકે અટલાદરા -પાદરા રોડ પર આવેલા આનંદ પાર્ટી પ્લોટ સામે રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં લોક માર્યા વિનાની પાર્ક કરી ચાવી સીટ નીચે ગાદી નીચે મૂકી રિક્ષામાં બેસીને પોતાના ઘરે ગયા હતા. બીજા દિવસે તા.15-08-2025 ના રોજ પોતાના મિત્રની ગાડી લઈને તરસાલી જતાં હતાં તે દરમિયાન પાર્ક કરેલી મીની બસ જેની આશરે કિંમત રૂપિયા 7 લાખની છે તથા મીની બસમાં આશરે 30 લિટર જેટલું ડીઝલ હતું તે પાર્ક કરેલી જગ્યાએ ન જણાતાં સમગ્ર મામલે ટ્રાવેલ્સ માલિકના પુત્ર કુંજભાઇને જાણ કરી હતી. જેથી આસપાસના વિસ્તારોમાં તપાસ છતાં મીની બસની માહિતી ન મળતાં સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top