ડ્રાઇવરને અચાનક ઝોકું આવતાં સ્ટીયરિંગ પરથી કાબુ ગયો, સદનસીબે જાનહાની નહીં
ડ્રાઇવરને નાની મોટી ઈજા, ટ્રાફિક પોલીસે તાત્કાલિક દોડી આવી વ્યવસ્થા પુનઃ સુચારુ કરી
વડોદરા: વડોદરાના વ્યસ્ત હાઇવે વિસ્તારમાં આજે સવારે દરજીપુરા નજીક આવેલા એપીએમસી માર્કેટ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટમેટાં ભરેલો આઇસર ટ્રક અચાનક પલટી મારી જતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી પહોંચી હતી અને તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સુચારુ બનાવવા પ્રયાસો હાથ ધરાયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે ટ્રકચાલકને અચાનક ઝોકુ આવતાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા હતા, જેના કારણે ટ્રક રોડ પર પલટી મારી ગયો હતો. ઘટનામાં માર્ગ પર ટમેટાં વિખેરાઈ જતાં વાહનવ્યવહાર પણ અવરોધાયો હતો.

સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોવાની માહિતી સામે આવી છે, જોકે ટ્રક ડ્રાઈવરને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડાયો હતો. પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ માનવ ભૂલને કારણે ટ્રક પલટી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. આ સાથે જ ટ્રકચાલકે દારૂનું સેવન કરેલું હતું કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં વાહનને ક્રેનની મદદથી હટાવી દેવામાં આવ્યું છે અને હાઇવે પર ટ્રાફિક ફરી સામાન્ય બનાવવામાં આવ્યો છે.

હાઈવે પર સર્જાયેલા આ બનાવને કારણે સવારે ઓફિસ ટાઈમ દરમિયાન સૈંકડો વાહનચાલકોને લાંબા સમય સુધી મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. ઘટનાને પગલે પોલીસે વાહનચાલકોને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ રાખવાની અપિલ કરી છે.