બાલાસિનોર: ભારતીય જનતા પાર્ટી દ્વારા બાલાસિનોર વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન જેઠોલી ગામે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્યગુજરાતના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા હાજર રહ્યા હતા.

ઝડફિયાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શક્તિકેન્દ્ર સંયોજક પક્ષના કાર્યમાં કેન્દ્રબિંદુ છે. સંગઠનને મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ સુધી પક્ષની વિચારધારા પહોંચાડવા તથા વિવિધ કાર્યક્રમોમાં પ્રાણ પૂરી ઉત્કૃષ્ટ બનાવવા માટે શક્તિકેન્દ્ર સંયોજકની ભૂમિકા અગત્યની ગણાય છે.

પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પક્ષના ઇતિહાસ, વિચારધારા, સંગઠન પદ્ધતિ, પ્રસાર-પ્રસારણ, મતદાર સંપર્ક તેમજ સામાજિક મીડિયા દ્વારા કાર્યકર્તાઓને પ્રભાવકારક રીતે જોડવાના વિષયો ઉપર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયા, મહેમાન ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, કાર્યક્રમના વાલી અરવલ્લી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ, અમુલ ડેરીના ડિરેક્ટર અને માજી ધારાસભ્ય રાજેશભાઈ પાઠક તેમજ પ્રશિક્ષણ વર્ગની માહિતી આપનાર વક્તા તથા બાલાસિનોર અને વીરપુર તાલુકાના શક્તિકેન્દ્ર સંયોજકો, ભાજપ મંડલના પ્રમુખ અને મહામંત્રી, તેમજ વર્ગ સંચાલકો પક્ષાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સંકલ્પ કર્યો કે પક્ષની વિચારધારા વધુમાં વધુ ઘરેઘરે પહોંચે તે માટે દરેક કાર્યકર્તા સક્રિય ભૂમિકા નિભાવશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાલાસિનોર તાલુકા ભાજપ મહામંત્રી દિપકભાઈ પંચાલ, વર્ગ સંયોજક કેતનસિંહ ઝાલા તેમજ પર્વેક્ષક રૂપેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.