રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના તાજેતરના અલાસ્કા પ્રવાસ દરમિયાન એક વિચિત્ર બાબત ચર્ચાનો વિષય બની છે. અહેવાલો મુજબ પુતિન સાથે તેમના બોડીગાર્ડ્સ એક ખાસ “પૂપ સૂટકેસ” લઈ ગયા હતા. જેમાં તેમનો મળ એકઠો કરવામાં આવતો હતો. આ વાત સાંભળતા અજીબ લાગે છે. પરંતુ તેની પાછળ એક ગંભીર કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પુતિન અલાસ્કા પહોંચ્યા હતા. જ્યાં તેમની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. પરંતુ મુલાકાત કરતાં વધુ ચર્ચામાં “પૂપ સૂટકેસ” રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે પુતિન અમેરિકાની જમીન પર પોતાનો મળ છોડતા નથી. તેના બદલે ખાસ બોડીગાર્ડ્સ તેને “પૂપ સૂટકેસ”માં એકઠો કરે છે અને તેને સુરક્ષિત રીતે રશિયા લઈ જાય છે.
શું છે કારણ?
વિશ્વભરમાં ઘણા સમયથી એવી અટકળો છે કે પુતિન કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. માનવામાં આવે છે કે જો તેમનો બાયોલોજિકલ વેસ્ટ અન્ય દેશોના હાથમાં આવી જાય તો લેબોરેટરી તપાસ દ્વારા તેમની તબિયત વિશે ગુપ્ત જાણકારી મળી શકે છે. પુતિન ઈચ્છતા નથી કે દુનિયાને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી મળે. એટલા માટે તેઓ ક્યારેય વિદેશમાં પોતાનો મળ છોડતા નથી.
આ પ્રથા નવી નથી. રિપોર્ટ્સ અનુસાર 1999થી પુતિન આવી કવાયત કરી રહ્યા છે. 2017માં તેમની ફ્રાન્સ અને વિયેના મુલાકાત દરમિયાન પણ સમાન અહેવાલો સામે આવ્યા હતા. તે વખતે પુતિને પોર્ટેબલ ટોઇલેટનો ઉપયોગ કર્યો હતો.
સ્વાસ્થ્ય અંગે અટકળો
કેટલાક અહેવાલો મુજબ પુતિન પાર્કિન્સન જેવા ગંભીર ન્યુરોલોજીકલ રોગથી પીડાઈ રહ્યા છે. 2023માં બેલારુસના રાષ્ટ્રપતિ સાથેની બેઠક દરમિયાન પણ તેમની તબિયત ખરાબ લાગવાના સમાચાર આવ્યા હતા. જોકે, રશિયન રાષ્ટ્રપતિ ગૃહ હંમેશાં આવા દાવાઓને નકારી કાઢે છે અને પુતિન સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહે છે.
સુરક્ષા વ્યવસ્થા પણ કડક
અલાસ્કા પ્રવાસ દરમિયાન પુતિનની સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ ચારેબાજુ બોડીગાર્ડ્સથી ઘેરાયેલા હતા. તેમાંથી એક બોડીગાર્ડ ખાસ “પૂપ સૂટકેસ” લઈને ચાલતો જોવા મળ્યો હતો. રશિયન ગુપ્તચર એજન્સીઓ માટે આ સમગ્ર પ્રક્રિયા પુતિનની સલામતી અને ખાનગી માહિતી જાળવવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.